જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી અંદાજે ૧૦ હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલ સહિત કુલ રૂ.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક આવેલા ‘દસ્તક બાયોડીઝલ પેટ્રોલિયમ’ નામના પંપ પર કોઈપણ માન્ય પરવાનગી વિના બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી. બાતમીના આધારે પ્રાંત અધિકારી અને મામલતદારે સંયુક્ત ટીમ સાથે ઓચિંતો દરોડો પાડ્યો હતો. સરકારી ટીમ પહોંચતા જ પંપ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે ૧૦ હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. ઉપરાંત ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતી ડિસ્પેન્સિંગ નોઝલ, પંપ મશીન, સ્ટોરેજ ટેન્ક સહિત કુલ અંદાજે રૂ.૧૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થો અને સાધનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લેવામાં આવ્યા છે.
દરોડા બાદ તંત્રે સમગ્ર બાયોડીઝલ પંપને સીલ મારી દીધો છે. જપ્ત કરાયેલા શંકાસ્પદ બાયોડીઝલના નમૂનાઓ ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વહીવટી તંત્ર હવે આ ગેરકાયદે પંપ કોના દ્વારા સંચાલિત થતો હતો અને શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તેની દિશામાં તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર નેટવર્કની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.