જૂનાગઢમાં કેશોદના અગતરાય પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રકે ટુ-વ્હીલરને હડફેટે લેતા ટુ-વ્હીલર ચાલકનું મોત થયું છે અને એક ઇજા પામ્યો છે. ટુ-વ્હીલર પર જૂનાગઢથી કેશોદ દંપતી આવતું હતું. બેફામ ચાલતી ટ્રકે બાઇક ચાલકનો જીવ લીધો હતો.

અકસ્માત સર્જાતા જ ટ્રકચાલક અને ક્લીનર ટ્રક મૂકીને ભાગી ગયા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. તેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિકોએ તરત જ ૧૦૮ને જાણ કરી હતી અને તે તરત દોડી આવી હતી. ૧૦૮ના સ્ટાફે ઘટનાસ્થળે મૃતકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. જો કે ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

બનાવના પગલે તરત જ કેશોદની પોલીસ દોડી આવી હતી. તેણે ટ્રાફિક કલીયર કરાવ્યો હતો અને મૃતકનું પંચનામુ કરીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અકસ્માતના પગલે મૃતકના કુટુંબીજનોમાં આક્રોશ છે. મૃતકનું નામ સમીર ચોવટીયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે બેફામ ચાલતી ટ્રકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ટ્રકવાળા બેફામ છે. આ કંઈ પહેલો જ અકસ્માત નથી. ટ્રકવાળા સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાથી તેઓ બેફામ થવા લાગ્યા છે. તેઓ રીતસર દારૂ પીને ટ્રક ચલાવે છે. આમાની કેટલીય ટ્રકો ગેરકાયદે દોડતી હોવાનું પણ તેમનું કહેવું છે. જજો પોલીસ કડક કાર્યવાહી કરે તો જ આ પ્રકારના દારૂડિયા અને બેફામ ટ્રકચાલકો પર અંકુશ મૂકી શકાય છે. જો આ રીતે જ નબળી કાર્યવાહી જારી હશે તો પછી આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બનતી રહેશે.