આમ આદમી પાર્ટીના સમર્થકોને મહિલા પીએસઆઇ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરવાનું ભારે પડ્યું છે. વિસાવદરના મહિલા પી.એસ.આઈ. વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલા અભદ્ર કોમેન્ટના કેસમાં જુનાગઢ ક્રાઈમ બ્રાંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક વકીલની પણ શોધખોળ પોલીસ કરી રહી છે.ગત ૧ ઓગસ્ટના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તા અનાજમાં કૌભાંડ મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશનની બહાર વિવાદ સર્જાયો છે. ત્યાં મહિલા પી.એસ.આઈ. સોનારા સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વાર્તાલાપ થયો હતો. આ વાર્તાલાપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મહિલા પી.એસ.આઈ. વિરુદ્ધ આપના સમર્થકો દ્વારા અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી. આ મામલે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરતાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી પાંચ આરોપીઓને ઝડપ્યા છે.જેમાં મનોજ ડાયાભાઈ વાઘેલા (રાજકોટ),    અરવિંદભાઈ દાનાભાઈ સોંદરવા (જેતપુર ), વિનોદભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર (સુરત),જયંતીભાઈ ઉર્ફે જય મૂળજીભાઈ પટેલ (અમદાવાદ),રમેશભાઈ અંબાભાઈ રાદડિયા (વિસાવદર) નો સમાવેશ થાય છે.ઝડપાયેલ  આરોપીઓના મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત અભદ્ર ટિપ્પણી મામલે ભાવનગરના વકીલ નીરજ ટીમાણીયા વિરુદ્ધ પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કે અભદ્ર ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે. આ સમગ્ર કેસની તપાસ જુનાગઢ એસઓજીને સોંપવામાં આવી છે અને આ કેસમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે.