વંથલી તાલુકાના લુશાળા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જેમાં લુશાળાના એક વ્યક્તિનું મોત થયું છે. લુશાળા થી પગપાળા સત્તાધાર જઈ રહ્યા હતા, ત્યારે મેંદરડા તરફથી આવી રહેલા સરકારી વાહને અકસ્માત સર્જ્‌યો હતો, જેમાં એક યુવાનનું મોત થતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સરકારી જીપ અને તેમાં બેઠેલા બે વ્યક્તિની અટકાયત કરીને વંથલી પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના લુશાળા અરણીયાળા વચ્ચે રવિવારની સાંજના સમયમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. આ ઘટનામાં એક યુવાનનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં મામલો ગરમાયો છે. લુશાળા થી સતાધાર તરફ પગપાળા જઈ રહેલા ચાર યુવાનોને મેંદરડા તરફથી આવી રહેલી સરકારી જીપે રોંગ સાઈડમાં હંકારીને ચાર યુવાનો અડફેટે લીધા હતા. જે પૈકી સુભાષ કાનાભાઈ ડાંગર નામના યુવાનને ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચતા તેને પ્રથમ સારવાર માટે મેંદરડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત વધારે નાજુક બનતા તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી સમગ્ર લુશાળા પંથકમાં શોક પ્રસરી ગયો છે,તેમજ અકસ્માત સર્જનાર સરકારી જીપ અને તેના ચાલકો સામે ભારે રોષ જાવા મળી રહ્યો છે.
જે સરકારી જીપે અકસ્માત કર્યો હતો, તે કુતિયાણા સિંચાઈ વિભાગની હોવાનું જાણવા મળ્યું છે, વધુમાં આ જીપમાં સવાર ડ્રાઇવર અને તેની સાથે રહેલા એક અન્ય વ્યક્તિ કે જે સિંચાઈ વિભાગના કર્મચારી કે અધિકારી હોઈ શકે છે. આ બંને લોકો ખૂબ જ નશાની હાલતમાં જાવા મળતા હતા અને સરકારી જીપ માંથી નશાકારક પીણું પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સમયે હાજર રહેલા અને પગપાળા સતાધાર જઈ રહેલા અન્ય એક યુવાન જયેશ ડાંગરે જણાવ્યું હતું કે, અકસ્માત સર્જીને બોલેરો ચાલક અને તેમાં બેઠેલી અન્ય એક વ્યક્તિ જીપને વંથલી તરફ હંકારી ગયા હતા, પરંતુ નજીકના ગામોના લોકોને ખબર પડતા આ જીપને વંથલી પહોંચતા પૂર્વે જ અટકાવી દઈને જીપ સાથે તેમાં રહેલા બંને વ્યક્તિઓને વંથલી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલામાં વંથલી પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી છે તેમજ જીપનો કબજા લઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.