રાજુલાના જુની કાતર ગામે રહેતા એક ખેડૂતે ઘેટા-બકરા કેમ રસ્તામાં બેસાડો છો? ચાલવામાં તકલીફ થાય છે તેમ કહેતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત બચાવવા વચ્ચે પડેલી પત્ની, બહેન તથા દીકરીઓને પણ ગાળો આપી હતી. બનાવ સંદર્ભે શંભુભાઈ રાજાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)એ જોધાભાઇ લાખાભાઇ બોહરીયા, અમરાભાઇ લાખાભાઇ બોહરીયા, ધનાભાઇ રત્નાભાઇ બોહરીયા તથા વિનુભાઇ પોલાભાઇ બોહરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની પાછળના ભાગે જાહેર રસ્તામાં જોધાભાઈ બોહરીયાએ તેના દસેક જેટલા ઘેટા-બકરા બેસાડેલ હોય જેથી તેમણે ઘેટા-બકરા રસ્તામાં કેમ બેસાડો છો? ચાલવામાં તકલીફ થાય છે તેમ કહેતા સારૂ નહોતું લાગ્યું અને ઘેટા-બકરા તો રસ્તામાં જ બેસશે તેમ કહી અન્ય ત્રણ આરોપીઓને બોલાવ્યા હતા. તેમને લાકડીનો એક ઘા પીઠમાં મારી મુંઢ ઇજા કરી હતી, તેમજ કુહાડીનો એક ઘા માથાના ભાગે મારી લોહી કાઢી ૨૦ ટાકાની ગંભીર ઇજા કરી હતી. આ સમયે તેમને મારમાંથી બચાવવા દીકરો, બહેન, પત્ની તથા દીકરીઓ વચ્ચે પડતાં તેમને પણ આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી. હડીયા વધુ તપાસ કરી રહ્યા છે.