જુનાગઢ પોલીસે કેશોદના એક વૃદ્ધની દિવાળીને યાદગાર બનાવી છે. દિવાળીની ખરીદી માટે કેશોદથી જુનાગઢ આવેલા વ્રજલાલ સુબા નામના વૃદ્ધના ૬૦,૦૦૦ રોકડ અને ખરીદેલી તમામ વસ્તુઓ રિક્ષામાં ભૂલાઈ જતાં, પોલીસે ગણતરીના કલાકોમાં તેને શોધીને પરત કરી દીધી.આ કામગીરીથી વૃદ્ધની દિવાળીની ખુશીમાં વધારો થયો.દિવાળીનો તહેવાર નજીક આવતાં બજારો ગ્રાહકોથી ધમધમી રહી છે અને ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ છે.નાનાં શહેરો અને ગામડાંઓમાંથી પણ લોકો જુનાગઢ શહેરમાં દિવાળીની ખરીદી માટે આવે છે.આવો જ એક કિસ્સો કેશોદના વૃદ્ધ વ્રજલાલ સુબાનો છે.તેઓ ખરીદી માટે જુનાગઢ આવ્યા હતા, પરંતુ ૬૦,૦૦૦ રોકડ અને ખરીદેલો સામાન રિક્ષામાં ભૂલાઈ ગયો.જુનાગઢ પોલીસે સીસીટીવીની મદદથી આ સામાન શોધી કાઢ્યો.વ્રજલાલ સુબા ખરીદી પૂર્ણ કરીને કેશોદ પરત જઈ રહ્યા હતા.આઝાદ ચોક ખાતે રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓ ૬૦,૦૦૦ રોકડ અને ખરીદેલા સામાનનો થેલો રિક્ષામાં જ ભૂલી ગયા.થોડા સમય બાદ આ ભૂલની જાણ થતાં તેમણે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે. પરમારનો સંપર્ક કર્યો.પોલીસે તાત્કાલિક આઝાદ ચોક વિસ્તારમાં રિક્ષાની શોધખોળ શરૂ કરી, પરંતુ રિક્ષા અન્ય સ્થળે ગઈ હોવાનું જણાયું.પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલની નેત્રમ શાખાની મદદથી આઝાદ ચોક,ગાંધી ચોક, સુખનાથ ચોક, વૈભવ ફાટક,તળાવ દરવાજા,બલોચવાડા,સંઘાડિયા બજાર સહિત જુનાગઢ શહેરના ૧૫ જેટલા સ્થળોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. અંતે, રિક્ષા બલોચવાડામાં મળી આવી.રિક્ષાની તપાસમાં ૬૦,૦૦૦ રોકડ અને દિવાળીની ખરીદીનો તમામ સામાન સહીસલામત મળ્યો.પોલીસે આ સામાન અને રોકડ વૃદ્ધને પરત કર્યા,જેનાથી વૃદ્ધની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ઉઠ્યા.










































