જુનાગઢમાંથી સરકારી કામ અને ગુજરાત સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચે લોકોને ફસાવનાર મૂળ આકોલવાડીના અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા રવિ અને પ્રજ્ઞા ચોવટીયા નામના પતિ-પત્નીની જોડીને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. જૂનાગઢના ફરિયાદી શિલ્પાબેન ભાખરની ફરિયાદના આધારે પોલીસે આ દંપતીની ધરપકડ કરી અને અંદાજે ૧ કરોડ ૧૮ લાખ ૩૮ હજાર ૭૫૦ રૂપિયાની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.પોતાને ધારાસભ્યના પીએ તરીકે ઓળખાવીને રવિ અને પ્રજ્ઞા ચોવટીયા જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોને શોધીને તેમને ગુજરાત સચિવાલયમાં સરકારી નોકરી, દિલ્હી હાઇવે કોરિડોરમાં વૃક્ષો વાવવાનો કોન્ટ્રાક્ટ, ભેંસોના તબેલા બનાવવા માટે ૩ કરોડની સરકારી સહાય અને બેંકોમાંથી આર્થિક ધિરાણ અપાવવાની લાલચ આપીને છેતરતા હતા. આ રીતે તેઓ ચતુરાઈપૂર્વક લોકોને પોતાના માયાજાળમાં ફસાવતા હતા. જૂનાગઢના ફરિયાદી શિલ્પાબેન ભાખર પણ આ દંપતીની લાલચમાં ફસાયા હતા અને તેમણે દિલ્હી નેશનલ હાઇવે કોરિડોરમાં વૃક્ષો ઉગાડવાના કોન્ટ્રાક્ટના નામે ૫૦ લાખ ૮ હજાર રૂપિયા આપી દીધા હતા. જોકે, કોન્ટ્રાક્ટ ન મળતાં ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ શિલ્પાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આ દંપતીને ઝડપી લીધા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રવિ અને પ્રજ્ઞા ચોવટીયાએ ધારાસભ્યના પીએની ખોટી ઓળખ ઉભી કરીને અનેક લોકોને ફસાવીને ૧ કરોડ ૧૮ લાખ ૩૮ હજાર ૭૫૦ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ ઉપરાંત, તેઓ વેપારીઓને પણ પોતાના માયાજાળમાં ફસાવતા હતા. વેપારીઓને તેમનો માલ મોટા માર્જિનથી વેચવાનું આશ્વાસન આપીને મોટી રકમની લેવડ-દેવડ કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. હાલ જૂનાગઢ પોલીસે આ દંપતી સામે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








































