જુનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર હાઇબ્રીડ ગાંજાનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જીની ટીમે સંયુક્ત માહિતીના આધારે જુનાગઢમાં ચાર શખ્સોને ૧.૧૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં આ ગાંજાનો જથ્થો થાઈલેન્ડના બેંગકોકથી આવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગુજરાતના મોટા શહેરોની જેમ હવે સૌરાષ્ટ્રમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે.દિવસેને દિવસે નશાનો કારોબાર વધી રહ્યો છે, યુવાનો નશાની લતે ચડી રહ્યા છે, ત્યારે જુનાગઢના ઇતિહાસમાં પણ આટલી મોટી માત્રામાં પ્રથમવાર હાઇબ્રીડ ગાંજા ઝડપાયો છે. જુનાગઢ એસ.ઓ.જી અને એલ.સી.બી.ની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેમને માહિતી મળી હતી કે, જુનાગઢમાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો આવી રહ્યો છે. હકીકતના આધારે ઇવનગર રોડ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. રાતે ૧૧.૫૦ કલાકે મેંદરડા તરફથી ઇવનગર બાજુથી આવેલી સફેદ કલરની ગ્લાન્ઝા કાર નંબર જીજે.૧૧ ડીબી ૦૦૮૦ને અટકાવી તલાસી લેતા આ બાતમી ખરેખર હકિકતમાં પરિવર્તી છે.પોલીસે આપેલી માહિતી અનુસાર, અડધી રાતે આ કારમાં તપાસ કરતા વિસાવદરનો ધવલ કાળુ ભરાડ, જુનાગઢના હુશેન નાસીર તુર્ક, મુજાહીદ ખાન રિયાજખાન યુસુફજઈ અને જહાંગીરશા રજાકશા શાહમદાર નામના ચાર શખ્સ તેમાં બેઠા હતા. કારમાં તલાસી લેતા કારની પાછળની સીટની વચ્ચે એક થેલો મળ્યો હતો, જેમાંથી ૩.૧૬૦ કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજાનો ૧,૧૦,૬૦,૦૦૦નો (ત્રણ પેકેટ) જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરાઈ છે.આ બાબતની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને વિગતો સામે આવી હતી કે, આ ગાંજાનો જથ્થો રાજકોટની શેરબાનું મહમદરફીક નાગાણી નામની મહિલાએ વેચાણ માટે તેઓને સપ્લાય કર્યો હતો. બરોડાના એક અજાણ્યા શખ્સના કહેવાથી રાજકોટની આ મહિલા ગત તા. ૭ ઓક્ટોબરના રોજ થાઇલેન્ડના બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટ સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી હતી અને ત્યાંથી તેને જુનાગઢના શખ્સો કારમાં લેવા ગયેલા અને ઝાંઝરડા ચોકડી ઉપર આવેલ ભવ્ય પેલેસ હોટેલમાં તેઓ રોકાયા હતા. બાદમાં આ હોટેલના રૂમમાં રાજકોટની મહિલાએ ટ્રોલી બેગમાં છુપાવેલ હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટમાંથી ત્રણ પેકેટ ગઈકાલે ઝડપાયેલા શખ્સોને વેચાણ કરવા માટે આપ્યા હતા અને એક વધેલા પેકેટ સાથે આ શખ્સો ગત ૩૦ ઓક્ટોબરના રોજ કારમાં રાજકોટની મહિલાને ગોંડલ ચોકડી સુધી મુકવા પણ ગયેલા હતા. આમ આ હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર બરોડાનો અજાણ્યો શખ્સ છે, તેણે શેરબાનુંને થાઈલેન્ડ મોકલીને ગાંજા સ્મગલિંગ કરાવ્યાનું સામે આવ્યું છે.હાલ પોલીસે આ કેસમાં, બજાર કિંમત ૧.૧૦ કરોડ રૂપિયાનો અંદાજીત ૩.૧૬૦ કિલોગ્રામ જેટલા હાઈબ્રીડ ગાંજાના જથ્થા સહિત, ૧.૧૦ લાખની કિંમતના ૮ મોબાઇલ, પાંચ લાખની કાર સહિતનો કુલ ૧,૧૬,૭૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા ચાર ઇસમો, ઉપરાંત રાજકોટની શેરબાનું, અને જુનાગઢના મોઈન સતાર ખંધા તથા બરોડાના અજાણ્યા શખ્સ એમ કુલ સાત વ્યક્તિ સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે. કુલ સાત શખ્સો પૈકી હાલ ચારની ધરપકડ કરાઈ છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે.









































