ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે.જી ૭ દેશો અને સિંગાપોરના વિદેશ મંત્રીઓએ બંને દેશોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે.જી ૭ દેશો – કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસ – ના વિદેશ પ્રધાનો અને યુરોપિયન યુનિયનએ ૨૨ એપ્રિલના રોજ ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા સંયુક્ત નિવેદન જારી કર્યું છે. આ હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જી ૭ એ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમે ભારત અને પાકિસ્તાનને મહત્તમ સંયમ રાખવાની અપીલ કરીએ છીએ.’ આગળની કોઈપણ લશ્કરી કાર્યવાહી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો કરશે. અમે બંને દેશોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને શાંતિ માટે સીધી વાતચીતમાં જોડાવા વિનંતી કરીએ છીએ.
દરમિયાન, સિંગાપોરે પણ આ મુદ્દા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સિંગાપોરના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અંગે ખૂબ ચિંતિત છીએ.’ અમે બંને પક્ષોને તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરીએ છીએ. ઉપરાંત, બંને દેશોમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
દરમિયાન, સિંગાપોરે તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ‘સિંગાપોરના નાગરિકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી વિસ્તારોમાં ખાસ કરીને સતર્ક રહેવું જાઈએ અને તમામ જરૂરી સુરક્ષા સાવચેતીઓ રાખવી જોઈએ.’ સિંગાપોરે તેના નાગરિકોને ભીડવાળી જગ્યાઓ ટાળવા, સ્થાનિક સમાચાર પર નજર રાખવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
તમને જણાવી દઈએ કે, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે બદલો લીધો અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ‘ચોકસાઇવાળા હુમલા’ કર્યા. જવાબમાં, પાકિસ્તાને ગુરુવાર અને શુક્રવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરથી ગુજરાત સુધીના ભારતમાં ૨૬ સ્થળોએ ડ્રોન હુમલા કર્યા. આ કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.








































