અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ કે.વી. કટારા ફરજ બજાવતા હતા ત્યારે તેઓ તેમની ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. એ વખતે રાજકમલ ચોકમાં નો પાર્કિંગ ઝોનમાં રાજેશ લખુભાઈ નામનો ડ્રાઈવર જાહેરનામાનો ભંગ કરતો હતો. જે બદલ કોન્સ. હર્ષદભાઈ જાની, રાજકમલ ચોક પોઈન્ટના કોન્સ. પ્રફુલ જાની તથા કોન્સ. બિપીનભાઈ ભટ્ટે તે મીની બસમાં બેસીને બસને પોલીસ સ્ટેશન લેવા આરોપીને જણાવેલ. તેણે બસને સિટી પો.સ્ટે. બાજુ લીધેલી હતી પરંતુ સ્ટેશને બસ ઉભી નહી રાખીને ૧૦૦ કિ.મી.ની ઝડપે ચલાવીને ખુલ્લા મેદાનમાં ઉભી રાખી હતી. ત્યારબાદ પી.આઈ. કટારા તથા ટીમને ધાકધમકી આપી અને લોખંડના સળીયાથી મારી તથા ખુલ્લી તલવારથી જીવલેણ હુમલો કરેલ હતો. આરોપીના પિતા લખુભાઈ સોરઠીયાએ ત્યાં સ્થળ ઉપર પ્લાસ્ટિકનું કેરોસીન ભરેલું કેન લઈ આવીને પોલીસકર્મીઓને સળગાવી દેવાની ધમકી આપેલી. આ બનાવમાં પોલીસ કોન્સ. બિપીનભાઈ, હર્ષદભાઈ, પ્રફુલકુમાર તથા મનસુખભાઈ ગરોડને ગંભીર ઈજા પહોંચતા તેમને અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ હતા. પોલીસે રાજેશ ઉર્ફે રાજુભાઈ લખુભાઈ સોરઠીયા, જીજ્ઞેશ ઉર્ફે જીગો લખુભાઈ સોરઠીયા તથા લખુભાઈ મુળુભાઈ સોરઠીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ચાર્જશીટ કરેલ હતું. ઈજા પામનાર ચારેય વ્યકિત પોલીસ કર્મચારી હોય અને જેમની ઉપર હુમલો થયો તેઓ પણ પોલીસ અધિકારી હોવાથી આ કેસ જે તે સમયે પોલીસ બેડામાં ઘણો ચર્ચાસ્પદ બનેલ હતો. આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જતા ચાર પોલીસ અધિકારીને ગંભીર ઈજા થયેલ હોવા છતાં આ અંગેનો કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હતો. આ આરોપીઓ તરફે સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ ધારદાર રજૂઆત કરી હતી.