કલાનો માર્ગ અનોખો અને આહલાદક છે. અહી પીડા પણ આનંદ આપનારી હોય છે. શબ્દ સફરના પ્રવાસીને મંઝિલની પરવા હોતી નથી. કારણકે જે મજા માર્ગમાં મળે છે. તે જ અદ્‌ભુત હોય છે. એટલે શબ્દના સાધક ને કલાના કસબી માટે માર્ગ જ એની મંઝિલ બની જાય છે. કારણ કે ગમતે રસ્તે ચાલવાની મજા કાંઈ અલગ જ હોય છે. એને જાણવા કરતા માણવાની મજા કંઈક ઔર હોય છે.કલમના સથવારે જિંદગી ભરપુર રીતે જીવાઈ જાય છે.એમાંય કલાની સફરમાં કોઈ હમસફર મળી જાય તો રસ્તો પણ ઉત્સવ બનીને ઉજવાતો જાય છે. જેમ પ્રવાસમાં ભક્તિ ભળે તો યાત્રા બની જાય છે. પથ્થરમાં શ્રધ્ધા ભળે તો મૂર્તિ દેખાય છે, કલમમાં કલ્પના ભળે તો કાવ્ય બની જાય છે. અડચણમાં સર્જનાત્મકતા ભળે તો અવસર બની જાય છે. તકલીફમાં ધીરજથી ટકી રહો તો નવી તક પ્રાપ્ત થાય છે. દિલનો દીવો કરી ચાલનારને કોઈ અંધારી રાત રોકી શકતી નથી. એ તો અંતરના ઉજાસે પથ કાપ્યે જાય છે,આસપાસના કાળા અંધારાની એને પરવા હોતી નથી. ૭૦ વર્ષના એક ચિત્રકાર ચિત્રદોરી રહ્યા હતા ત્યારે એના મિત્રએ કહ્યુ કે‘આ ઉંમરે શા માટે આટલી બધી તકલીફ લ્યો છે? પરસેવો લૂછતા ચિત્રકામ ચાલુ રાખતા તેણે જવાબ આપ્યો એ ખૂબ સમજવા જેવો છે. ‘‘આ તકલીફ તો થોડીવારમાં જતી રહેશે. પણ જે કલાનું સર્જન થશે તેનો આનંદ આજીવન રહેશે.’’ આવી કલાના સર્જનનો આનંદ માત્ર સર્જકને જ નહિ પરંતુ કલાના ચાહકને પણ તૃપ્ત કરે છે. આત્યારે ઝાકમઝોળ તરફ સૌ આકષાર્ય છે. પરંતુ નજીકથી જાશો તો ખ્યાલ આવશે કે ઝાકમઝોળ વાળા રસ્તા મોટા ભાગે અંધારી ગલી તરફ વળવા હોય છે.જે રસ્તા પર મંઝિલ સહેલાઈથી મળી જતી હોય છે. તેમા પ્રવાસનો આનંદ ઓછો મળે છે. શોર્ટકર્ટ મોટાભાગે મોઘોં પડતો હોય છે. ટ્રાફિક પોલિસ માટે રસ્તો જ એની મંઝિલ હોય છે. મનોજ ખંડેરીયાનો શેરઃ ‘‘આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના,ફૂલો એ બીજુ કંઈ નથી, પગલા વસંતના.’ રસ્તાની આવી નયનરમ્ય કલ્પના ગુજરાતી ભાષાને રળિયામણી બનાવે છે. શહેરમાં જે લોકો ઓવરટેક કરીને આગળ નીકળે છે, આગળના રેડ સિગ્નલ પર પાછા મળી જતા હોય છે. ડ્રાઈવ કરતી વખતે હંમેશા પાછળવાળાનું ધ્યાન રાખવું. અને આગળવાળાથી ચેતતું રહેવું, આ નિયમ જીવનમા પણ લાગુ પડે છે. જીવનપંથ ઉજાળનાર કોઈ ઓલિયો મળી જાય તો સોનામાં સુંગંધ ભળે, સફળતાનો રસ્તો કાંટાળો હોય છે. તેના પર ખૂબ સાચવીને ચાલવું પડે છે. ઘમંડનું લીવર વધુ દબાવ્યુ તો અકસ્માતના ચાન્સ વધી જાય છે. મહાન બનવાની કિંમત મોટી ચૂકવવી પડે છે. માટે સરળ અને સહજ રીતે જિંદગીનો પંથ કાપતો જવામાં જ મજા છે.