જીવનમાં અમુક સંબંધો અને સંસાધનો કુદરતી રીતે મળે છે અને કેટલાક સંબંધો અને સંસાધનોની પસંદગી આપણે જાતે કરવાની હોય છે. અમુક વસ્તુ કે પદાર્થ આપણા માટે અનુકૂળ અને સુગમ હોય છે, જેને આપણે જાળવી રાખીએ છીએ. જ્યારે કેટલાક સાધનો આપણા માટે પ્રતિકૂળ હોય છે, તેને આપણે ત્યજી દેતા હોઈએ છીએ. આવું જ આપણી સાથે જોડાયેલ આસપાસના વ્યક્તિઓમાં પણ બને છે. કેવી વસ્તુ જાળવવી કે કેવી વ્યક્તિ સાથે સંગત કરવી એની પસંદગી આપણા માટે આપણા વર્તમાન અને ભવિષ્યને સુધારનાર કે બગાડનાર સાબિત થાય છે. આપણામાં સારા-નરસાને ઓળખવાનો કે પારખવાનો વિવેક ના વિકસે તો આપણે વારંવાર વણજોઈતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે યોગ્ય વસ્તુ કે વ્યક્તિની પસંદગીનો વિવેક જો આપણામાં હોય તો અચાનક આવતી મુશ્કેલીમાં પણ તેઓ માર્ગદર્શન આપતા હોય છે. માત્ર માર્ગદર્શન જ નહિ પણ તન, મન અને ધનથી ઉપયોગી થઈને આપણને ધન્ય બનાવી દેતા હોય છે. કેવા લોકોની સોબત કરવી કે કેવા લોકો સાથે સંબંધો રાખવા એની ટૂંકી છતાં જડીબુટ્ટી સમાન વાત આ વાક્યમાં વર્ણવેલી છેઃ “માવજતમાં માપ ન હોય, પ્રેમમાં હિસાબ ન હોય, લાગણીમાં ગણતરીઓ ન હોય, વાત્સલ્યમાં વહેવાર ન હોય, સ્નેહમાં સરખામણી ન હોય અને મિત્રની મિત્રતામાં કોઈ મિલાવટ ન હોય.” આવું જેનું વર્તન હોય, વહેવાર હોય એવા પાત્રોને ઓળખીને એની સાથેના સંબંધો આજીવન જાળવી રાખવાથી આપણું દુઃખ, ચિંતા, આધી વ્યાધિ કે ઉપાધિ હળવા થઈ જાય છે. કેટલીક નાની નાની વાતોમાં થતાં હરખ-ધોખાને અવગણીને, થોડું-ઝાઝું જતું કરીને પણ આવા વ્યક્તિઓ સાથેના સંબંધો જાળવી રાખવાથી લાંબા ગાળે ઘણા ઉપયોગી થતા હોય છે. ખોટા માણસોની ખુશામતખોરી આપણા માટે નુકસાનકારક હોય છે જ્યારે સાચા અને સારા માણસોની શિખામણ કે મીઠો ઠપકો પણ આપણા માટે હિતકારી હોય છે. હમેશા સાચું અને આપણા માટે સારું હોય એવું વર્તન કરનાર સાચા મિત્રો અને સગા-સંબંધીઓ જ આપણા હિતેચ્છુ હોય છે. બાકી તો માત્ર પોતાના સ્વાર્થ માટે આપણી સાથે સંબંધ રાખનાર આપણા છાયડાના જ સાથી હોય છે, તડકામાં તરત આપણાંથી દૂર ભાગી જતાં હોય છે. અમુક લોકો તો પોતાની કુટેવો અને દુષ્ટતામાં આપણને પરાણે સામેલ કરવા માટે મીઠો આગ્રહ કરતા હોય છે. જો આપણે એની આદતો સાથે જોડાઈને રહીએ તો આપણે અંગત રીતે ઘણા દુઃખી થઇએ અને વધારામાં સમાજમાં નબળી છાપ ઊભી થાય છે. આમ આવા બન્ને પ્રકારના લોકો વચ્ચે આપણે યેન-કેન પ્રકારે સંપર્કમાં રહેવાનું બનતું હોય છે ત્યારે કેવા પ્રકારના લોકો સાથે આપણે ગાઢ સંબંધો રાખવા અને કેવા લોકો સાથે માત્ર કામ પૂરતા સંબંધો રાખવા એ સમજણ હોવી ખૂબ જરૂરી છે. ભગવાને દરેક મન્યુષ્યને બે ગિફ્ટ આપેલી છે, એક છે ‘પસંદગી’ અને બીજી છે ‘તક’. આ બંનેમાં ‘પસંદગી’ છે જીવનને સારું બનાવવાની અને ‘તક’ છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે. વ્યક્તિ કોણ છે અને શું છે એ બહુ મહત્વનું નથી પણ એ વ્યક્તિમાં શું છે અને વ્યક્તિનો સ્વભાવ કેવો છે એ ખૂબ મહત્વનું છે. આપણી સાથે કાયમી રીતે સંબંધથી જોડાયેલ આવા સારા મિત્રો કે સગા-સંબંધી આકાશમાં ચમકતા તારલાઓ જેવા હોય છે, જે દિવસના ઝળહળતા અજવાળામાં ભલે દેખાતા ન હોય પણ રાત્રીના અંધકારમાં અવશ્ય દેખાય છે. જેમ સારા લોકોની સોબત સુખરૂપ હોય છે તેમ સારા પુસ્તકોની સોબત આપણા એકાંતને આનંદદાયી બનાવે છે અને ભીડમાં માર્ગ કરી આપે છે. સાક્ષર વ્યક્તિની અસલી ઓળખ એ કેવા પુસ્તક વાંચે છે એના આધારે થઈ શકે છે. માત્ર દુઃખમાં જ નહિ, સુખમાં પણ સારા પુસ્તકો અને સાચા લોકોની સોબત માણસને સંસ્કારી બનાવે છે. મોટા માણસ બનવું એ સારી વાત છે પણ સારા માણસ બનવું એ ખૂબ મોટી વાત છે અને મનુષ્ય જીવનનું લક્ષ જ એ છે કે પોતે સુખી થવું અને અન્યને સુખી કરવા. સર્વે સંતુ નિરામયા.












































