જીવનમાં બધું મારું ધાર્યું થાય એવી ખોટી જીદ નહિ રાખવાની, ઘણું એવું પણ થશે જે પસંદ નહિ હોય પણ ભાગ્યમાં લખ્યું હશે. આવું સુવાક્ય વાચવું ગમે અને સાંભળવું પણ ગમે, પરંતુ જ્યારે ખરેખર આપણું ધાર્યું કામ ન થાય ત્યારે મન મનાવવું ખૂબ અઘરું છે. પરીક્ષામાં ધારેલા માર્ક ના આવે ત્યારે વિદ્યાર્થી હતાશ થાય છે, સાંજ પડે ને ધારેલો વેપાર ના થાય ત્યારે વેપારી હતાશ થાય છે. ઘર કે કુટુંબમાં મુખ્ય વ્યક્તિનું કહ્યું કોઈ ના કરે ત્યારે તે નારાજ થાય છે. નવા નવા સગા બનેલા વેવાઈને એકબીજા પ્રત્યે ખૂબ જ સ્નેહ, લાગણી અને લગાવ હોય છે પણ જ્યારે પ્રસંગોની તારીખ નક્કી કરવામાં એકબીજાનું ધાર્યું ના થાય તો મનમાં થોડો રંજ રહી જાય છે. પતિ -પત્ની, પિતા- પુત્ર, ગુરુ- શિષ્ય કે ભાઈ – ભાઈ વચ્ચેના સબંધોમાં સામાન્ય રીતે ખૂબ સારો તાલમેલ હોય છે. પણ જ્યારે કોઈ સામાન્ય બાબતને લઈને કોઈ એક પાત્ર જીદ પકડે છે ત્યારે બીજા પાત્રમાં લગાવ ઘટે છે. વારંવારની ખોટી જીદથી લાંબા ગાળે સબંધોમાં તિરાડ પડતી જાય છે. ઘણીવાર તો મિત્રો કે સ્વજનોની બેઠકોમાં સાવ ફાલતુ ચર્ચામાં સામસામે દલીલો થઈ હોય એમાં કોઈ એક તરફી મંતવ્યને લઈને જીદ પકડી રાખે અને બહસ થાય ત્યારે સંબંધો કરતા જીદને મહત્વ આપનાર એમના વર્તુળમાં અપ્રિય થઈ જાય છે. ક્યારેક ક્યારેક તો મામૂલી વાતમાં સામસામી એકબીજાની જીદના કારણે હસવામાંથી ખસવું થઈ જાય છે. અને સબંધો તૂટવા સુધીની નોબત આવી જાય છે. સબંધો સહેલાઈથી બંધાય છે પણ તેને કાયમી નિભાવી રાખવા ખૂબ અઘરું અને આકરું કામ છે.
જીદનું વાહક જીભ છે. જીભમાં હાડકું હોતું નથી પણ એજ જીભ જીદે ચડે તો માણસના હાડકા ભંગવી નાખે છે. જીવનમાં જીદ છોડીને જતુ કરવાની ભાવના રાખવામાં આવે તો જ સંબંધો જળવાઈ રહે છે. કેમકે દુનિયાના દરેક સંબંધોમાં દરેકે એકબીજાની કેટલીક બાબતો કે વર્તણુકને બરદાસ્ત કરવી પડે છે, સહન કરવી પડે છે. જો એમ કરવાના બદલે જીદ પકડી રાખીશું તો ધીમે ધીમે એક પછી એક સંબંધ શુષ્ક બનતા જશે અને એક સમય એવો આવે કે કોઈ સાથ આપવાવાળું વધતું નથી. નજીકના પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે. રામાયણમાં રાણી કૈકઈની જીદ, મહાભારતમાં દ્રૌપદી અને દુર્યોધન બન્નેની જીદ કેવા કેવા લોહિયાળ જંગમાં ફેરવાયા અને કુટુંબનો સ્નેહ સંઘર્ષમાં ફેરવાયો એ સૌ જાણે છે.
જો સામસામી જીદ કરવાના બદલે એકબીજાએ જતુ કર્યું હોત તો મહાભારતનું યુદ્ધ રોકી શકાયું હોત. ઘર, કુટુંબ, સગા સંબંધી કે મિત્ર વર્તુળ હોય કે પછી ધંધા નોકરીના સ્થળે જેની સાથે કાયમ માટે સાથે કામકાજ કરવાનું થતું હોય ત્યારે એકબીજાના વિચાર, વાણી, વર્તન કે સ્વભાવ સરખા નથી હોતા. આવા સંજોગોમાં એકબીજાની નાની મોટી સ્વભાવગત ભૂલો કે કામ કરવાની જાજી થોડી ક્ષમતાના લીધે ઉભી થતી ના ગમતી પરિસ્થિતિમાં ધીરજપૂર્વક સહન કરવાનું અને ઉતાવળે ઉગ્ર થવાનું ટાળવાથી એકબીજાના સાથેના સબંધો જળવાઈ રહે છે.
જો નાની નાની ભૂલોને પકડી રાખીને જીદ કરવામાં આવે તો સંબંધોમાં દરાર ઉભી થાય છે. ક્યારેક કોઈ નાની મોટી બાબતોને લઈને મતભેદ થાય તો જીદ કરીને આ મુદ્દો મનમાં પકડી રાખવાના બદલે જતુ કરીને ભૂલી જવાથી બગડેલા સંબંધ સુધારી શકાય છે. અને એકબીજા પ્રત્યે માન જળવાઈ રહે છે અને એટલે જ કહેવાય છે કે જીવનમાં જીદરૂપી ગાંઠ છૂટી જાય તો બગડેલા બધા સંબંધ સુધરી જાય છે અને હયાત સંબંધો સચવાય જાય છે. જીવનરૂપી ખેતરમાં જીદ રૂપી નિંદામણ દૂર કરવાથી સંબંધોનો મબલક પાક મેળવી શકાય છે.