જિંદગીની ઘટમાળમાં સૌ તાણાવાણાની જેમ વણાઈ ગયા હોય છે. કેટલીક સૂક્ષ્મ બાબતો એવી હોય છે જે બહાર દેખાતી નથી પણ કાયમ સાથે બેસનારના મનમાં અનુભવાતી હોય છે. આપણે એવું માનતા હોઈએ કે જે લોકો રોજ સાથે બેસતા હોય તેઓ એકબીજાની નાની મોટી બાબતો જાણતા હોય છે પણ હકીકતમાં એવું નથી હોતું, ઘણા બધા લોકો શરીરથી સાથે હોય પણ મનથી સાથે હોતા નથી. આવું બધું કોઈને કહેવું સહેલું નથી. અને મનમાં રાખીને સહન કરવું પણ સહેલું નથી. જિંદગીની ઘટમાળમાં સૌને સાથે રાખીને ચાલવું અને સૌની સાથે રહીને ચાલવું ખૂબ અઘરું હોય છે. બધું બરાબર હોય ત્યારે નાની નાની બાબતો મનમાં ખૂંચતી હોય છે અને જ્યારે મોટી મુશ્કેલી આવે ત્યારે આ નાની નાની બાબતો ગૌણ લાગે છે. સાથે બેસનાર પણ બધા એકબીજાને સમજી શકે એવા હોતા નથી અને સમજી શકે એવા હોય તે હરરોજ સાથે બેસનાર નથી હોતા. એકબીજાની મુશ્કેલીમાં સાથે રહેનાર પણ કાયમ સાથે બેસનાર નથી હોતા. સારામાં સૌ સાથે હોય છે પણ મુશ્કેલીમાં કોઈની સાથે ઉભુ રહેવું ખૂબ અઘરું કામ છે અને જેની સાથે ઊભા રહો એના માટે મુશ્કેલીમાં રાહતરૂપ થાય છે. બસ આમ જ જીવનની નૈયા ચાલતી રહે છે. ધૂપ છાંવ, ઠંડી ગરમી, તડકો છાયો આ બધું આવ્યા કરે પણ જો કોઈ અલબેલાનો સાથ હોય તો દુઃખમાં રાહત થાય છે. જીવનના આટાપાટા કે આટીઘૂંટી એવી આવે છે ત્યારે સાચી દિશા કે રસ્તો મળવો મુશ્કેલ હોય છે પણ થોડી ધીરજ, શ્રદ્ધા, ભક્તિ અને સાત્વિક વિચારો સાથે સાચા અને સારા લોકોનો સંગ જળવાઈ રહે તો જીવનની ગમે એવી મુશ્કેલીમાં પણ માર્ગ નીકળી શકે છે. આટાપાટામાં અટવાઈ ગયા પછી બહાર નીકળવા માટે અથાક પ્રયત્નો પછી પણ જો કોઈ રસ્તો સુઝે નહિ ત્યારે માણસ કરતાં ઈશ્વર પર વધુ ભરોસો રાખવાથી ઈશ્વર કોઈ ઇન્સાનને નિમિત્ત બનાવીને તમારી નજીક મોકલે છે ત્યારે આટાપાટામાંથી બહાર નીકળવાનો રસ્તો નીકળે છે. મુંઝવણ અને માર્ગદર્શન માટેના ઠેકાણા ખૂબ ઓછા હોય ત્યારે પણ યોગ્ય ઠેકાણું શોધવું ખૂબ અઘરું હોય છે. આવા વખતે આટાપાટામાંથી બહાર કાઢનાર કોઈ વિરલા દેવદૂત બનીને આવા વ્યક્તિઓ સાથે ઊભા રહે છે. આ સંસારમાં સ્વાર્થના સગા ઘણા બધા હોય છે પણ પરમાર્થ અને સેવાના કાર્યમાં કોઈને સાથ સહકાર આપવાનું કામ ખૂબ મહત્વનું છે.
જીવન જીવવું સહેલું નથી
જાતે કરવું ,જતુ કરવું,
સૌને ગમવું સહેલું નથી.
આજે કરવું કાલે ભરવું,
એમ જ સૌને ગમતું નથી.
સાથે રહેવું, કપટ કરવું,
સહન કરવું ગમતું નથી.