આપણે જીવન જીવતા હોઈએ ત્યારે આપણને ઘણા પ્રકારની કમી મહેસૂસ થતી હોય છે. સમયની, સંબંધોની, માન-પાનની, લાગણીની, સ્વાસ્થ્યની અને સંપત્તિની વગેરે પ્રકારની ઉણપ અનુભવાતી હોય છે. એમાં સૌ કોઈને અનુભવાતી સૌથી કોમન કમી એટલે રૂપિયાની. કેમકે એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી. જેની પાસે જેટલું હોય એનાથી વધુ મેળવવાની ઈચ્છા સૌ કોઈને હોય જ એ સ્વાભાવિક છે પણ સાથે સાથે જેટલું હોય, જેવું હોય તે પરિસ્થિતિ મુજબ સારી રીતે જીવન જીવી લેવું જોઈએ. ઘણીવાર તો એવું જોવા મળે છે કે હોય તેમાંથી પોતાના માટે કે પરમાર્થના કામ માટે વાપરી શકતા નથી અને હજી ઘટે છે ની લાહ્યમાં વધુ ને વધુ મેળવવા વલખાં મારે છે. તમારી પાસે કેટલી સંપત્તિ છે એના કરતાં કેટલો અને કેવો એનો ઉપયોગ કરો છો એ બહુ મહત્વની વાત છે. અને આમ જોઈએ તો જે તે સમયની જરૂરિયાત માટે જરૂર પૂરતું ધન હોવા છતાં ઘણીવાર આપણને એવું લાગ્યા કરે છે કે આપણી પાસે વાપરવા માટે પૂરતા પૈસા નથી. જ્યારે સાચું તો એ છે કે અમીર હોય કે ગરીબ જેની જેવી કેપેસિટી હોય તેમાંથી જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણી પાસે રહેલ મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જાય છે. એમાંય ખાસ કરીને પંડ માટે સારું કપડું ના લીધું હોય અને પેટ માટે સારું ભોજન ના લીધું હોય અને આખી જિંદગી ઢસરડો કરીને સંતાનો માટે ભેગુ કર્યું હોય પછી નિરાતે બેસીને ભોગવવાનું અને પ્રભુ ભજનનું ટાણું આવે ત્યાં યમનું તેડું આવી જાય પછી જે કંઈ મરણમૂડી ભેગી કરી હોય તે ખર્ચ્યા વગરની પડી રહે છે. એવું નથી કે પૈસાદારને જ આ લાગુ પડે છે. માણસની સ્થિતિ તેવી હોય, એની હેસિયત મુજબના ખર્ચની આ વાત છે. માણસ ગરીબ હોય કે અમીર, વાત જીવનમાં પૈસા કમાવવાની સાથે સારી રીતે જીવન જીવવા પૈસા વાપરવાની છે. એક મોટા ઉદ્યોગપતિનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તે તેની વિધવા પત્ની માટે બેંકમાં અને રોકડા અબજો રૂપિયા મૂકતો ગયો. પછી વિધવાએ એના જ ઘરના જવાન નોકર સાથે લગ્ન કરી લીધા. નોકરે કહ્યું કે પહેલા મને એવું લાગતુ હતું કે હું મારા માલિક માટે કામ કરું છું. પણ હવે મને સમજાય છે કે હકીકતમાં મારા માલિક આખી જિંદગી મારા માટે કામ કરતા હતા. અને એટલે જ એવું કહેવાય છે કે ભેગુ કરે એ નહિ પણ ભોગવે એજ સાચા ભાગ્યશાળી ગણાય છે. અને જરૂરી એ છે કે વધારે ધન ભેગુ કરવાના બદલે વધારે સારી રીતે જીવવા ધન વાપરતું રહેવું. સારા આરોગ્ય અને સ્વસ્થ શરીર માટે પ્રયત્નો કરવા. તમે વિચારશો તો ખ્યાલ આવશે કે આપણી પાસે જે કંઈ સાધન સંપદા હશે તેનો મોટો હિસ્સો વપરાયા વગરનો રહી જતો હશે. અથવા તો બીજી રીતે એમ પણ કહી શકાય કે જે તે વસ્તુનો આપણે બેસ્ટ ઉપયોગ કરી શકતા નથી, આપણે પુરેપુરો લાભ લઈ શકતા નથી, પછી એ વસ્તુ હોય કે રૂપિયા હોય કે વડીલોનો વારસો હોય. કેટલાક ઉદાહરણ જોઈએ. પૂરા જીવનની કમાણીનો ૭૦ ટકા હિસ્સો બીજા માટે પડ્યો રહે છે. મોંઘા ફોનના ૭૦ ટકા ફંકશન બિનઉપયોગી કે વણવપરાયેલ રહી જાય છે. મોંઘી હાઈ સ્પીડ કારની ૭૦ ટકા સ્પીડનો ઉપયોગ થઈ શકતો નથી. આલીશાન બંગલાની ૭૦ ટકા જગ્યા ખાલી જ પડી રહે છે અથવા કોઈ રહેવાવાળા હોતા નથી. આખા ભરેલા કબાટમાંથી ૭૦ ટકા કપડાં તો પહેર્યા વગરના પડ્યા રહે છે. આપણને દિવસની મળતી ૨૪ કલાકમાંથી ૮ કલાક સૂવામાં કાઢ્યા પછી વધેલી ૧૬ કલાકનો કેટલોય હિસ્સો નકામી માથાકૂટ કે પારકી પંચાતમાં વપરાઈ જાય છે. આવુ જ આપણી પાસે રહેલી દરેક ચીજ-વસ્તુનું હોય છે. અરે આપણામાં રહેલી બુદ્ધિ કે શક્તિનો ૭૦ ટકા ભાગ આપણે વાપરતા નથી. ૭૦ ટકા સદ્ગુણોનો જીવનમાં ઉપયોગ કરી શકતા નથી. તો હવે સવાલ એ છે કે જે ૩૦ ટકા વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો? સ્વસ્થ રહેવા માટે સમય અને નાણાં વાપરો. નિયમિત જીવન જીવવાની ટેવ પાડો. તરસ ના હોય તો પણ પાણી પીતાં રહો. પોતાના અહમનો ત્યાગ કરીને સૌને હળો મળો. ગમતી સેવાકીય પ્રવૃત્તિ કરો અને એના માટે સમય અને પૈસા બન્ને વાપરો. શક્તિશાળી હોવા છતાં શાંત, સરળ અને નમ્ર રહો. ધનિક ન હોવા છતાં પણ વ્યવસ્થિત રહો. જીવનનો સાચો મતલબ સમજો. જવાબદારીઓથી ભાગવું બહુ સહેલું છે પણ એ સ્વાર્થથી ભરેલું હોવાથી સાચું સુખ નહિ મળે જ્યારે જવાબદારી માટે તન, મન અને ધનનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી નિજાનંદ મળશે. હૃદય કેવું ચાલે છે એ ડોક્ટર બતાવી શકે છે પણ હૃદયમાં શું ચાલે છે એના માટે તો સાચા સ્નેહીજન સમાન સખા કે મિત્રો જ જોઈએ. કેટલું છે એ નહિ પણ જે છે એના માટે તમારો અભિગમ મહત્વનો છે. તમે તમારી ગમે તેવી પરિસ્થિતિમાં પણ બીજાના ભલા માટે કેવું વિચારો છો એ ખૂબ મહત્વનું છે. એકવાર એક ઝૂંપડામાં કડકડતી ઠંડીમાં બે નાના છોકરા છાપાં ઓઢીને સૂતા હતા. એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું કે જેમની પાસે ઓઢવા માટે છાપાં નહિ હોય એનું શું થતું હશે! આમ કેટલું કમાવ છો એની સાથે કેવું જીવો છો અને કેવું વિચારો છો એ ખૂબ મહત્વનું છે. સૌને પ્રેમ કરો, સૌનો ખ્યાલ રાખો, નમ્રતાભર્યો વહેવાર કરો, સૌને માન આપો, જીવનનો આનંદ લેવા માટે એકબીજા સાથે જોડાયેલ રહો આ જ સાચું જીવન છે. કોઈની સાથે બનાવટ કરવી સહેલી છે પણ કોઈને આપણા બનાવવા ખૂબ અઘરું છે.