જીવન એક એવી શાળા છે જ્યાં પુસ્તકો નથી, પરંતુ અનુભવ પાઠ ભણાવે છે. એ પાઠમાં સૌથી મહત્વનો પાઠ છે સાચા–ખોટાનો અનુભવ. જીવનમાં દરેક મનુષ્યે કોઈને કોઈ રીતે સાચા અને ખોટાના અનુભવ કર્યા જ હોય છે. આ અનુભવ આપણા જીવનને દિશા આપે છે, વિચારશક્તિને પરિપકવ કરે છે અને આપણને સચોટ નિર્ણય લેવા પ્રેરિત કરે છે. સાચો માર્ગ હંમેશાં સહેલો નથી હોતો. ક્યારેક તે કઠિનાઈ, ત્યાગ અને સંઘર્ષથી ભરેલો હોય છે. પરંતુ જ્યારે માણસ સાચા માર્ગે ચાલે છે ત્યારે અંતરમાં શાંતિ, આત્મસંતોષ અને વિશ્વાસની લાગણી જન્મે છે. ઉદાહરણરૂપે, એક વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષામાં સફળ થાય છે, તો તેને પોતાના પર ગર્વ થાય છે; જ્યારે કોઈ ખોટી રીતથી પરિણામ મેળવે છે, ત્યારે બહારથી સફળ દેખાય છતાં અંદરથી અશાંતિ અનુભવાય છે.
ખોટા અનુભવ આપણને પાઠ શીખવે છે. ખોટું કરવાથી થોડા સમય માટે લાભ મળતો હોય છે, પણ તે લાંબા ગાળે નુકસાન કરે છે—વિશ્વાસ તૂટે છે, સંબંધો ખરાબ થાય છે અને આત્મગ્લાનિ જન્મે છે. સાચા–ખોટાનું ભાન જ માણસને સાચો માણસ બનાવે છે. જીવનમાં સચ્ચાઈને અનુસરવી સહેલી નથી, કારણ તેની અસર ખૂબ ગહન હોય છે. મહાત્મા ગાંધીનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે—તેમણે ‘સત્ય’ને જીવનનું ધ્યેય બનાવ્યું અને આખી દુનિયા તેમને “સત્યના પ્રયોગી” તરીકે યાદ કરે છે. નિષ્કર્ષ રૂપે, સાચા–ખોટાના અનુભવથી માણસે સમજવું જોઈએ કે ખોટી દિશા ભલે આરામદાયક લાગે, પરંતુ સાચી દિશા જ આપણને આંતરિક શાંતિ અને સમાજમાં સન્માન અપાવે છે. સાચા અનુભવથી આત્મવિશ્વાસ વધે છે, જ્યારે ખોટાનો અનુભવ આપણને સુધારીને વધુ પરિપક્વ બનાવે છે. સાચું કરવું સહેલું નથી. ક્યારેક એ માટે ત્યાગ કરવો પડે છે, મુશ્કેલી સહન કરવી પડે છે. છતાં, સચ્ચાઈથી મળતો સંતોષ અને આત્મવિશ્વાસ અનમોલ છે. ખોટો માર્ગ પહેલી નજરે આકર્ષક લાગે છે, થોડોક ફાયદો પણ આપે છે, પરંતુ પછી અંતરમાં અશાંતિનું ભારણ મૂકી જાય છે. એક સામાન્ય માણસને રસ્તામાં મળેલ કોઈનું ખોવાયેલ પર્સ પરત આપવું કે નહિ એમાં પણ સાચા–ખોટાનું ભાન છુપાયેલું છે. પર્સ માલિકને પરત આપવાથી મળતી દિલની ખુશી કોઈપણ પૈસા કરતાં મોટી હોય છે. સાચા–ખોટાના અનુભવ આપણને યાદ અપાવે છે કે જીવનની સાચી સફળતા પદ કે પૈસામાં નથી—પણ આત્માની શાંતિ અને સમાજમાં માનમાં છે. મહાત્મા ગાંધી કહેતા હતા: “સત્ય એ જ છે, જે અંતરમાં શાંતિ આપે.” ખરેખર, સત્ય સાથે જીવન જીવવું એટલે પોતાના આત્માને દગો ન આપવો. ઇતિહાસમાં રાજા હરિશ્ચંદ્ર અને યુધિષ્ઠિર અને મહાત્મા ગાંધીજી વગેરેના જીવન સત્યની એરણ પર મુશ્કેલીઓ રૂપી ઘણના ઘા જીલીને તેજસ્વીતા મેળવેલ છે. સત્યનો મારગ છે શૂરાનો કાયરના નહિ કામ જો.
• સચ્ચાઈ શીખવે છે આત્મવિશ્વાસ,
• ખોટો અનુભવ આપે છે સુધરવાની તક,
• અને બંને મળીને માણસને પરિપકવ બનાવે છે.
સચ્ચાઈ સદા દીવા સમાન,
ખોટું છે ક્ષણિક પડછાયો,
જે જીવશે સત્યના માર્ગે,
તેને મળશે જીવનમાં ઉજાસ.












































