શ્રદ્ધાનો અર્થ એ નથી કે હું જે ઈચ્છિશ તે જ ભગવાન કરશે, પણ શ્રદ્ધાનો અર્થ એ છે કે ભગવાન એ જ કરશે જે મારા માટે સારું હશે! શ્રદ્ધા, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે. કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે. સંતોષ સાથે સુવું, અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી ! જીવનમાં કેટલીક અણધારી આફત, મુશ્કેલી, સંકટ કે સમસ્યા આવી પડે ત્યારે માણસની ધીરજની કસોટી થતી હોય છે. આવા સમયે શું કરવું, શું ન કરવું એ કંઈ સૂઝતું નથી ત્યારે ફરજિયાત ઈશ્વર ઉપરની શ્રદ્ધા જ માણસનો સાચો સધિયારો બને છે. ક્યારેક નાની નાની અડચણોથી આપણે ઉગ્ર બનીને કુદરતને દોષિત માનવા લાગીએ છીએ પણ થોડા સમય પછી આપણને સમજાય છે કે પહેલા આવેલી નાની મુશ્કેલી મોટી મહામુસીબતમાંથી આપણને બચાવનાર હતી. આવું સમજાય ત્યારે ફરી મનમાં એવી લાગણી થાય કે કુદરત જે કરે તે સારા માટે જ કરે છે. હમણાં અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં અનેક અરમાનો સાથે આકાશી સફરમાં નીકળેલા અનેક લોકોએ આ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા. તેમના પરિવાર પર અણધારી આફત આવી પડી છે ત્યારે એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી શ્રદ્ધા સાથેની પ્રાર્થના આપણે સૌ ઈશ્વરને કરી રહ્યા છીએ. હવે વિચારીએ કે અમદાવાદથી લંડન જવા નીકળેલી ફલાઇટમાં બધા મળીને ૨૪૨ લોકો સવાર હતા. પણ બીજા બે લોકો એવા હતા જેમાં સુરતના એક દાદા એમના દીકરાને મળવા આ ફલાઇટમાં લંડન જવા એરપોર્ટ પહોંચવા નીકળેલા. રસ્તામાં ટ્રાફિકને લીધે તે નિર્ધારિત બોર્ડિંગ સમય કરતા માત્ર દસેક મિનિટ મોડા પહોંચ્યા તો એરપોર્ટના સ્ટાફે તેને એન્ટ્રી ના આપી. દાદા અને એને મૂકવા આવનાર સ્વજનોએ ઘડીભર ઉગ્ર થઈ દલીલો કરી પણ તોયે નિયમને વળગી રહેલ સ્ટાફે મચક ના આપી. આથી આ દાદા હતાશ, નિરાશ થઈને અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં રોકાઈ ગયા. એના મગજમાં કેટલાય પ્રશ્નો ઊભા થયા હશે. તેઓ એવું વિચારતા હશે કે આ સ્ટાફના લોકોમાં માનવતા જેવું કંઈ નથી, થોડું મોડું થયું તો એન્ટ્રી ના આપી. ટિકિટના રૂપિયાની નુકસાની અને લંડનમાં સમયસર પહોંચી નહિ શકવાનો વસવસો હતો. આ જગતમાં ન્યાય જેવું કશું છે નહિ વગેરે અનેક સવાલો સાથે ખૂબ દુઃખી દુઃખી દેખાતા આ દાદાને થોડી કલાકોમાં જ્યારે સમાચાર મળ્યા કે તેવો જે ફ્લાઇટ ચૂકી ગયા હતા તે જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે અને તેમાં બેઠેલા તમામ મુસાફરોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે આ દાદાની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે. હવે તેઓ બધી અગવડતાઓ ભૂલીને ઈશ્વરનો આભાર માને છે કે મારા માટે નાની મુશ્કેલી ખરેખર મારો જીવ બચવવા માટેની ઈશ્વરની યોજના હતી. સ્વામિનારાયણ ભગવાન પરની એની શ્રદ્ધા ફરી વધી જાય છે. તેઓ અને લંડનમાં રહેતા તેના પુત્ર બન્ને પોતાના સ્વમુખે એવું સ્વીકારે છે કે ખરેખર જેને તેઓ મુશ્કેલી ગણતા હતા તે તેઓના ભલા માટે હતી. કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર આપણી વિચાર શક્તિ અને બુદ્ધિ શક્તિ સીમિત હોય છે. આપણે માત્ર ટૂંકા ગાળાના સુખ-દુઃખથી પ્રભાવિત થઈ જતાં હોઈએ છીએ. ખોટા અનુમાનો અને અંદાજોથી મુંજાઈને મનમાં સુખી કે દુઃખી થઈ જઈએ છીએ. આવુ જ એક બહેન સાથે બનેલ. તેઓ તેના પતિ પાસે લંડન જવાના હતા પરંતુ એરપોર્ટ પર લેટ પહોંચવાના કારણે તે પણ બચી ગયા છે. અખિલ બ્રહ્માંડના માલિકની રચના એવી અકળ અને અટપટી છે કે ગમે તેવાં બુદ્ધિશાળી વિદ્વાન પણ એના ભેદને પામી શક્યા નથી, એના રહસ્યોને ઉકેલી શક્યા નથી. દુનિયાના મોટા મોટા શક્તિશાળી લોકો કુદરતની કરામતો સામે બાથ ભીડતા વામણા સાબિત થાય છે એ આપણે અનેકવાર અનુભવ્યું છે. દિમાગ લગાવીને પણ આ કાળા માથાનો માનવી ઈશ્વરીય વ્યવસ્થા અને સંચાલનને માત્ર ટાંચણીના માથા જેટલી માત્રામાં જાણી શકે છે, છતાં પોતાની જાતને મહાજ્ઞાની સમજી બેસે એ એનો ભ્રમ હોય છે. ઈશ્વરની રચનાના અટપટા આટા-પાટાને ઉકેલવાના મિથ્યા પ્રયાસો કરવા કરતા માત્ર એના શરણે શીશ નમાવીને એના પર અતૂટ શ્રદ્ધા રાખવાથી જ મુશ્કેલીમાંથી માર્ગ મળે છે. તર્ક અને ટીકા ટિપ્પણી કરીને એનો વાંક કાઢવા કરતા દિલથી એની દુવા કરવાથી દુઃખ અને દર્દમાં રાહત મળે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં લાખો પ્રયત્નો કરવા છતાં ક્યાંય સફળતા કે સમસ્યાનો ઉકેલ ન મળે ત્યારે આખરે તો ઈશ પરની શ્રદ્ધા જ જીવનને સંવારે છે. નિત્ય સવાર સાંજની પ્રાર્થના જ આપણને સમજણના પરમ તેજ તરફ લઈ જાય છે. વિધાતાના લેખને કોઈ મિથ્યા કરી શકતું નથી, જે કંઈ પરિસ્થિતિ નિર્માણ પામે છે એને આપણે ઉલટાવી કે સુલટાવી શકીએ એવી તાકાત કે ગજુ નથી પણ જેટલા શ્વાસ લખ્યા હોય તેટલા ન્યાય, નીતિ અને ધર્મના સથવારે કર્મ કરતા કરતા ઈશ્વર પર અપાર શ્રદ્ધા રાખીને સૌના સુખ શાંતિ અને સલામતીની પ્રાર્થના કરીએ. અસ્તુ.
જય શ્રી ક્રિષ્ના…