સમાજમાં દરેક વ્યકિતની આગવી ઓળખ હોય છે. એટલે કે વ્યકિતનો સ્વભાવ કેવો છે તેના આધારે વ્યકિતની ગેરહાજરીમાં જયારે કોઇ તેને યાદ કરે છે ત્યારે તેના નામની સાથે આ સ્વભાવનું લેબલ લાગે છે. ઘણા વ્યકિતના નામની આગળ કે પાછળ તેના સ્વભાવ ગત વિશેષણ લગાડેલા આપણે સાંભળીએ છીએ. જેમ કે સરળ, રમુજી, ડાહ્યા, શાણા, હસમુખા, ઉપયોગી, પરોપકારી વગેરે જેવા સારા વિશેષણો ધરાવતા વ્યકિતની ઓળખ તેના સારા સ્વભાવગત વર્તનના કારણે સારી ઉભી થાય છે.
તેનાથી વિપરીત અધુરા, દંભી, કપટી, લોભી, ક્રોધી, સ્વાર્થી, માથાનો દુઃખાવો વગેરે જેવા વિશેષણો જે તે વ્યકિતના નામ આગળ કાંઇ એકવારના પરિચયથી પડતા નથી. વ્યકિતનું વારંવારનું તમારી સાથેનુ વર્તન તમારા મગજમાં સારી કે ખરાબ છાપ ઉભી કરે છે જે લાંબાગાળાની હોય છે અને એને આપણે પ્રભાવ તરીકે ઓળખીએ છીએ. કોઇ હકારાત્મક વિચારસરણી, સરળ સ્વભાવ અને માયાળુ માનવી સાથે તમારે દરરોજ કામ કરવાનું થાય, રહેવાનું થાય કે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમારા વર્તનમાં પણ જાણે-અજાણ્યે અનાયાસે આવા સદ્દગુણોનો વધારો થાય ત્યારે એમ કહી શકાય કે એકબીજાના સ્વભાવનો એકબીજા પર પ્રભાવ પડેલો છે.
આનાથી વિપરિત ગુણવાળી વ્યકિતના સંપર્કમાં આવવાથી એના સ્વભાવની અસર આપણા સ્વભાવ પર પ્રભાવ સ્વરૂપે જાવા મળે છે પરંતુ બંનેમાં ફરક એ છે કે સારા સ્વભાવનો પ્રભાવ શિતળ અને આહલાદક હોય છે જયારે ખરાબ સ્વભાવનો પ્રભાવ જલન, પીડા એન દુઃખ આપનાર હોય છે. માટે જ સંતો-મહંતો અને જ્ઞાની પુરૂષો કહે છે કે સંગત કરો તો સારા માણસોની કરજા…કારણ કે સોનાની દુકાનનો કચરો પણ લુહારના નવા લોખંડ કરતા કિંમતી હોય છે. કહેવાનું તાત્પર્ય એટલુ કે સજ્જનનો ઠપકો પણ લાભકારી જ હોય છે અને દુર્જનની દુવા પણ નુકસાનકારક જ હોય છે. આપણો સ્વભાવ જેના સ્વભાવને મળતો આવતો હોય એવી વ્યકિતનો જા તમને ભેટો થઇ જાય તો ક્ષણિક નાની-મોટી મુશ્કેલીઓ વેઠીને પણ આવા સંબંધો ટકાવી રાખશો તો લાંબાગાળાના સુખઃશાંતિ પ્રાપ્ત કરી શકશો. કોઈની સંગતથી તમારા વિચારો શુધ્ધ થવા લાગે તો સમજવું કે તે વ્યકિત સાધારણ સ્વભાવના દેખાવા છતાં અસાધારણ પ્રભાવ ધરાવતા વ્યકિત છે. માટે સંગત કરવી હોય તો સમુદ્ર જેવા સ્વભાવની વ્યકિતની કરો, જે તમારી બધી વાતો સમાવી લે છે. ખાબોચિયા જેવા વ્યકિતની કરશો તો સમય આવતા જ છલકાઇ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે. જેમને મળવાથી જીવનમાં હંમેશા ખુશી જ મળતી હોય છે એવા પ્રભાવ (સ્વભાવ) બહુ જ ઓછા લોકોને મળે છે.