જીરૂંના પાકમાં નુકસાન કરતાં મુખ્ય રોગો આ પ્રમાણે છે ૧.કાળી ચરમી, ૨.સૂકારો, ૩.ભૂકીછારો. જો આવા રોગોનું સંકલિત નિયંત્રણ કરવામાં આવે તો જીરૂના પાકમાં થતું નુકસાન મહદ અંશે અટકાવી શકાય છે.
૧. ચરમી અથવા કાળિયો
રોગ કારક: આ રોગ અલ્ટરનેરિયા બર્નસાઇ નામની ફૂગથી થાય છે.
લક્ષણો:બીજ પર તેમજ છોડના રોગિષ્ટ ભાગો પર રહેલ ફૂગ સક્રિય થતા પાક લગભગ ૩૦ થી ૩૫ દિવસનો થાય અને વાતાવરણ સાનુકૂળ હોય તો રોગના લક્ષણો છોડ પર દેખાય છે . શરૂઆતમાં રોગનું લક્ષણ જીરાના પાન પર ખૂબ જ નાના થોડા દબાયેલા કથાઇ રંગના ટપકાંના રૂપમાં જોવા મળે છે સાનુકૂળ વાતાવરણ વધારે સમય રહેતાં આવા ટપકાંનું કદ વધે છે અને આખા પાન રતાશ પડતાં કથ્થાઇ રંગમાં ફેરવાઇ જાય છે . કૂમળી ડાળીઓ પર લાંબા પટ્ટીવત ભૂખરાથી બદામી રંગનાં ધાબા પડે છે. રોગિષ્ટ પાન અંતે સૂકાઇ જાય છે. ડાળી પર ડાઘ પડે ત્યાંથી ઉપરનો ભાગ નમી પડી અને છેલ્લે સૂકાઇ જાય છે. થડ અને કૂમળી ડાળી પરનો ચેપ છોડને ઝડપથી સુકવી નાખે છે અને તેના પર ઝાકળ પડતાં આખા છોડ પર ફૂગના અસંખ્ય બિજાણુઓ તૈયાર થાય છે. જે હવા દ્વારા ખેતરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રોગનો ફેલાવો ખૂબ જ ઝડપથી કરે છે.
છોડ નાનો હોય ત્યારે રોગ લાગે તો છોડ ઉપર ફૂલ બેસતા પહેલા જ સૂકાઇ જાય છે અને જો ફૂલ બેસવાની અવસ્થાએ જ લાગેલ હોય તો દાણા બેસે પણ ચીમળાયેલા, વજનમાં હલકા અને ફૂગના ઉગાવાવાળા હોવાથી કાળા રંગના જોવા મળે છે. ઘણી વખત અર્ધપરિપકવ દાણા બંધાયેલા હોય અને રોગ લાગે તો દાણાની ગુણવત્તા ખૂબ જ હલકા પ્રકારની થઇ જાય છે. તેથી બજારમાં ખેડૂતોની ઉપજને પોષણક્ષમ ભાવ મળતો નથી.
અનુકૂળ વાતાવરણ:
• કમોસમી વરસાદ
• વાદળ છાયું વાતાવરણ
• એકમ વિસ્તારમાં વધુ છોડની સંખ્યા
• ક્યારામાં વધુ પડતો પાણીનો ભરાવો
નિયંત્રણ: આ રોગના નિયંત્રણ માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઇએ.
• ખેતકાર્યો દ્વારા રોગનું નિયંત્રણ
૧. એક જ જગ્યાએ જીરાનો પાક ન લેતાં દર વર્ષે અગાઉ જીરાનો પાક લીધેલ ન હોય ત્યાં જીરાનો પાક લેવો. ટૂંકમાં પાકની ફેરબદલી કરવી.
૨. જીરાના પાકની વાવણી નવેમ્બર માસમાં ઠંડીની શરૂઆત થતાં કરવી.
૩. જેમ બને તેમ કયારા નાના રાખવા અને હલકું પિયત આપવું .
૪. કયારાની પછાટે પાણી ભરાઇ રહેવા દેવું નહીં.
૫. છાણિયાં ખાતરનો ઉપયોગ કરવો.
૬. વધારે પડતું નાઇટ્રોજનયુકત ખાતર ન વાપરવું.
૭. શરૂઆતમાં જોવા મળતાં રોગિષ્ટ છોડ કાળજીપૂર્વક ઉપાડીને તેનો નાશ કરવો, શેઢે પાળે નાખી ન રાખવા કારણ કે આમા પણ રોગકારક ફૂગની વૃધ્ધિ થાય છે અને રોગની તીવ્રતામાં વધારો કરે છે.
• રસાયણો દ્વારા નિયંત્રણ:
બીજ દ્વારા પણ રોગ ફેલાતો હોવાથી રોગમુકત બીજની પસંદગી કરવી, તેમજ બીજને વાવતા પહેલા મેનકોઝેબ અથવા થાયરમ દવાનો પટ્ટ ૩ ગ્રામ એક કિલો બીજ દીઠ આપવો. પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨ ટકા ( ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં ) દ્રાવણના કુલ ચાર છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. દવા છાંટતી વખતે છોડના બધા જ ભાગો પર દવા બરોબર છંટાય તેની કાળજી અવશ્ય રાખવી. જો આમ કરવામાં ન આવે તો છોડના જે ભાગ પર દવા છંટાયેલ ન હોય ત્યાં ફૂગના બીજાણુંઓ પડી રોગનો ચેપ લગાડે છે અને અંતે દવા ન છંટાયા જેવું પરિણામ જોવા મળે છે.
૨. ભૂકીછારો
રોગકારક: ઈરીસીફી પોલીંગોની નામની ફૂગથી આ રોગ થાય છે.
લક્ષણો: અનુકૂળ વાતાવરણમાં રોગની શરૂઆત નીચેના પાન પર થાય છે. પાન પર ફૂગની સફેદ રંગની વૃધ્ધિ આછા મલમલ જેવી થયેલી જોવા મળે છે. ફૂગની વૃધ્ધિવાળો ભાગ સફેદ હોય છે. પાન પર એક – બે જગ્યાએ રોગની શરૂઆત થતી જોવા મળે છે. સમય જતાં ફૂગની વૃધ્ધિ, છોડના પાન, કુમળી ડાળીઓ તેમજ બીજ પર જોવા મળે છે. છોડ પર સફેદ પાવડર છાંટેલો હોય તેવું દેખાય છે. સમય જતાં આ સફેદ રંગની વૃધ્ધિ રાખોડિયા રંગમાં ફેરવાય જાય છે. છોડનો વિકાસ અટકે છે. રોગ વહેલો લાગે તો દાણા બેસતા નથી અને જો દાણા બેસેલા હોય તો તેના પર વૃધ્ધિ થાય છે અને તે સફેદ રંગના થઇ જાય છે. પૂરતો વિકાસ થતો નથી. વજનમાં સાવ હલકા રહે છે. દાણાની ગુણવત્તા હલકા પ્રકારની થઇ જાય છે.
અનુકૂળ વાતાવરણ:
• સાધારણ ઉષ્ણ હવામાન સાથે વાતાવરણમાં ભેજ
• પવન સાથે કમોસમી વરસાદ
નિયંત્રણ ઃ પાકમાં રોગ લાગ્યા પહેલા સંરક્ષણાત્મક પગલાં રૂપે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૧૫ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ૪૫ દિવસે છાંટવી જોઇએ. ગંધકનો છંટકાવ વહેલી સવારમાં છોડ પર ઝાકળ હોય તે સમયે દરેક છોડ પર સરખી રીતે કરવો.
રોગની શરૂઆત ફૂલ બેસતા પહેલા પાકમાં થાય છે . ત્યારે પ્રથમ વખત દ્વાવ્ય ગંધક ૩ થી ૪ ગ્રામ પ્રતિ લિટર અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મિ.લિ. પ્રતિ લિટર પાણીમાં ઓગાળી છાંટવું.
૩. સૂકારો
રોગ કારક: જીરામાં આ સૂકારાનો
રોગ જમીનજન્ય ફૂગ ફ્યુઝેરીયમ ઓકઝીસ્પોરમ્‌ કયુમીનીથી થાય છે.
લક્ષણો: જીરૂંનો છોડ પાણીની તાણ પડે ને લંધાય તેમ રોગકારક ફૂગના ચેપને લઇને પાણી આપેલ પાકમાં પણ છોડ લંધાય છે. આ તંદુરસ્ત લાગતા છોડના અચાનક ઉપરના કૂણા ડોકા, કૂમળી ડાળીઓ બીજા દિવસે નમી પડે છે. સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસના છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સૂકાઇ જાય છે. છોડ પીળો પડવો એ સામાન્ય લક્ષણ નથી. રોગની શરૂઆત ખેતરમાં કૂંડી – ગુંડીઓમાં જોવા મળે છે. જે ધીમે ધીમે વધારે વિસ્તારમાં પ્રસરે છે. રોગિષ્ટ છોડમાં દાણા બેસવાનો પ્રશ્ન જ નથી અને દાણા બાદ તેનો વિકાસ થતો નથી, તેથી દાણા ચીમળાયેલા, વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાના હોય છે.
અનુકૂળ વાતાવરણ:
• સતત એકના એક ખેતરમાં જીરૂંનું વાવેતર
• ઊંચું તાપમાન (૩૦ ડિગ્રી જેવુ)
નિયંત્રણ: આ રોગના નિયંત્રણ માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઇએ.
૧. ભલામણ કરેલ ઊંચી ગુણવત્તા ધરાવતી સુધારેલી જાતો જેવી કે ગુ.જી. – ૧ , ગુ.જી. – ૨ અને જી . – ૪ નું વાવેતર કરવું.
૨ ધાન્ય વર્ગના પાકોમાં પણ ખાસ કરીને જુવારનો પાક વાવી પાક ફેરબદલી કરવી. ચોમાસામાં જુવારનો પાક લેવાથી આ રોગ ઘટવાની શકયતા રહે છે.
૩. છાણિયું ખાતર સારા પ્રમાણમાં વાપરવું.
૪. ચરમીના રોગમાં જણાવેલ ફૂગનાશકોની બીજને માવજત આપ્યા બાદ જ વાવેતર કરવું.
૫. સૂકાતા છોડને કાળજીપૂર્વક ઉપાડી બાળીને નાશ કરવો.
૬. દર વર્ષે એકની એક જમીનમાં જીરાનો પાક ન લેવો.
૭. બીજને કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વે.પા. ૨ ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૩ ગ્રામ અથવા એમિસાન ૩ ગ્રામ પ્રતિ કિલોબીજને માવજત આપવી. તદ્‌ઉપરાંત ચરમી માટે રાસાયણિક દવાના નિયંત્રણ મુજબ પગલાં લેવા.