દહેજ નામનો દાનવ માત્ર અલ્પ શિક્ષિત સમાજમાં નહીં પણ સભ્ય અને ભણેલા ગણેલા વર્ગમાં પણ જોવા મળે છે. સાવરકુંડલાના જીરા ગામે રહેતી શિક્ષિકાને સાસરિયાએ કરિયાવર મુદ્દે ત્રાસ આપ્યો હતો. ઉપરાંત લગ્ન પ્રસંગે ઘરેણા પહેરવા નહીં આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઈ પરિણીતાએ સુરત ખાતે રહેતા પતિ મેહુલભાઇ રમેશભાઇ બાલધા, સસરા રમેશભાઇ ભીખાભાઇ બાલધા તથા સાસુ રસીલાબેન રમેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, જીરા ગામની હાલ કેશોદમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીના લગ્ન ફેબ્રુઆરી ૨૦૧૭માં થયા હતા. લગ્નના થોડા દિવસોમાં જ સાસરિયા દ્વારા સુરત મુકામે સિતમ ગુજારવાનું શરૂ કર્યુ હતું. તેને અવાર નવાર શારીરિક માનસિક દુઃખત્રાસ આપી માર મારી ઘરની અંદર આવવા દેતા નહોતા. તેમજ કરિયાવર બાબતે મેણાટોણા મારી લગ્ન પ્રસંગે ઘરેણા પહેરવા નહી આપી તને હવે જાનથી મારી નાખવી છે તેવી ધમકી આપી હતી. તેમજ કરિયાવર લાવી નથી તેમ કહી ત્રાસ આપતા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.કે.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.