સાવરકુંડલા તાલુકાના જીરા અને લીલીયા તાલુકાના આંબા ગામ વચ્ચે શેત્રુંજી નદી પર ૬ કરોડના ખર્ચે બનનારા બ્રિજનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ બ્રિજના નિર્માણથી સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકાના સર્વાંગી વિકાસને વેગ મળશે. આ બ્રિજ બનવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે, ખાસ કરીને ખેતી, વેપાર, આરોગ્ય સેવા અને શિક્ષણ ક્ષેત્રે લોકોને ગતિશીલતા મળશે. બંને તાલુકાના લોકો વચ્ચેના દૈનિક વાણિજ્ય અને સામાજિક વ્યવહારોમાં પણ નોંધપાત્ર વધારો થશે. કૃષિ આધારિત પરિવારોને બજારમાં સરળ પ્રવેશ મળશે અને ગામડાઓ વચ્ચેના વ્યાપાર વ્યવહારો વધુ મજબૂત બનશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો પણ અંત આવશે અને ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે. આ ભૂમિપૂજન સમારોહમાં સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન લાલભાઈ મોર, સદસ્ય રાહુલભાઈ રાદડિયા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ ડોબરીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઇ આદ્રોજા, મંત્રી મહેશભાઈ ભાલાળા, જયેશભાઈ મહેતા, જીરા સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ લલીતભાઈ બાલધા તથા તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.