રાજ્યમાં ફરી એકવાર જીપીએસસીની પારદર્શિતા સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. એક સમય હતો જ્યારે રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા કન્ડક્ટ કરાવવાની પદ્ધતિ, તેની પારદર્શિતાની દેશભરમાં મિસાલ આપવામાં આવતી હતી. જ્યારે અન્ય કોઈપણ પરીક્ષાના પેપરલીક કાંડ સામે આવતા ત્યારે જીપીએસસી કેવી રીતે પારદર્શિતા જાળવીને કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષા આયોજિત કરે છે તેમાંથી શીખ લેવાની સલાહ આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી આ જ જીપીએસસી શંકાના ઘેરામાં આવ્યુ છે.
ખાસ કરીને જીપીએસસીની ભરતી માટે લેવાતા મૌખિક ઈન્ટરવ્યૂને લઈને જીપીએસસીની વિશ્વસનિયતા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે. ઈન્ટરવ્યૂમાં ગોઠવણ થતી હોવાના, જાતિવાદના આરોપો સુદ્ધા લાગી રહ્યા છે. તાજેતરમાં જ બે દિવસ પૂર્વે જીપીએસસીએ ડ્રગ ઈન્સપેક્ટરની ભરતી માટે લીધેલા ૩૦ ઈન્ટરવ્યૂ રદ કરવાની ફરજ પડી છે અને હવે નવેસરથી ઈન્ટરવ્યૂ લેવામાં આવનાર છે. ઈન્ટરવ્યૂ રદ કરવાની જાહેરાત ખુદ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ડ્રગ ઈન્સપેક્ટરની ભરતી માટે ઈન્ટરવ્યૂ લેનારી તજજ્ઞોની પેનલે અન્ય ખાનગી સંસ્થામાં પણ મોક ઈન્ટરવ્યૂ લીધા હોવાની જાણ થતા જીપીએસસી દ્વારા લેવાયેલા ડ્રગ ઈન્સપેક્ટરના ૩૦ ઈન્ટરવ્યૂ રદ કરી દેવાયા છે.
આ સમગ્ર મામલે હવે કોંગ્રેસે જીપીએસસીની પારદર્શિતા અને ઈન્ટવર્યુ કન્ડક્ટ કરવાની પદ્ધતિને લઈને સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ્દ મનિષ દોશીનો આરોપ છે કે ઇન્ટરવ્યૂમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ છે, જીપીએસસી પારદર્શક પરીક્ષાના ખોટા દાવા કરે છે.જીપીએસસી દ્વારા જે ઇન્ટરવ્યૂ દેનાર અને લેનારની ઓળખ ગુપ્ત રાખવાના દાવા કરાય છે તેનો આ ઘટનાથી છેદ ઉડ્યો છે.
આ સાથે શિક્ષણવિદ્દ મનિષ દોશીએ ઈન્ટરવ્યૂના ભારાંકને લઈને પણ ગુજરાતના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જીપીએસસી દ્વારા પરીક્ષા માટે ૫૦% ભારાંક અને મોખિક માટે ૫૦% ભારાંક રાખવામાં આવ્યો છે. આવી અગાઉની પરીક્ષાના પરિણામોના અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયુ છે કે જે ઉમેદવારોને લેખિતમાં વધુ માર્ક હોય એમને ઇન્ટરવ્યૂમાં ખૂબ ઓછા માર્ક્સ મળે છે. જ્યારે જે ઉમેદવારોને લેખિતમાં ઓછા માર્ક્સ હોય તેમને ઇન્ટરવ્યૂમાં હાઈએસ્ટ માર્ક્સ આપવામાં આવે છે. જેને જોતા તાત્કાલિક ઇન્ટરવ્યૂનું ભારણ ઘટાડીને ૧૦% કરવાની કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસનું કહેવુ છે કે એકમાત્ર ગુજરાત રાજ્યને બાદ કરતા દેશના અન્ય રાજ્યોમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઈન્ટરવ્યૂનું ભારણ ૧૦ થી ૧૫ ટકા હોય છે. એકમાત્ર ગુજરાત જ એવુ રાજ્ય છે જ્યાં આ ભારણ ૫૦% રાખવામા આવ્યુ છે. જેનાથી ગુજરાતના ઉમેદવારોને મોટાપાયે નુકસાન જઈ રહ્યુ છે. જેને તાત્કાલિક ઘટાડવાની કોંગ્રેસે માગ કરી છે.