સોલાપુરમાં ક્રુઝર જીપનું ટાયર ફાટતા જીપ પલટી થઇ ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ જણના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ૧૨ જણ ગંભીર ઘવાયા હતા. જેમાંથી બેની હાલત અતિગંભીર છે. અકસ્માત થયો ત્યારે જીપમાં કુલ ૨૫ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આજે સવારે અગીયાર વાગ્યાની આસપાસ અક્કલકોટથી ૨૫ પ્રવાસીઓ ભરી દુર્ઘટનાગ્રસ્ત જીપ સોલાપુર તરફ આવી રહી હતી ત્યારે કુંભારી પાસે જીપનું ટાયર અચાનક પાટતા જીપ અનિયંત્રિત થઇ પલટી ગઇ હતી. આ ભીષણ દુર્ઘટનામાં બે મહિલા સહિત પાંચ પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે ૧૨ પ્રવાસીઓ જખ્મી થયા હતા. આ ઘટના બાદ ગામવાસીઓએ તરત પોલીસ અને ૧૦૮ નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી. આ ઘટના બાદ તરત જ સોલાપુર ગ્રામિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ગામવાસીઓની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. મૃત અને જખ્મી પ્રવાસીઓમાં સોલાપુર, પુણે અને મુંબઇના પ્રવાસીઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોનુસાર સોલાપુર-અક્કલકોટ રસ્તાને ફોરલેન બનાવવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જાકે જ્યાં અકસ્માત થયો તે કુંભારી ખાતે આ કામ અત્યંત ધીમી ગતિથી ચાલી રહ્યું હોઇ અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે.