અમરેલી જિલ્લા સહકારી સંઘની મહત્વપૂર્ણ બેઠક આજે અમર ડેરીના બોર્ડ રૂમમાં યોજાઈ હતી. સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એન.સી.યુ.આઈ. અને ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાની ખાલી પડેલી જગ્યા પર જયભાઈ મસરાણીની અને ખાંભા તાલુકાની બેઠક પર અમરીશભાઈ જોષીની નિયુક્તિ કરવામાં આવી હતી. સહકારી
પ્રવૃત્તિઓને વેગ આપવા માટે, અધ્યક્ષ મનીષ સંઘાણીએ નવી કમિટીઓ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત શિક્ષણ સહકારી કમિટી, કર્મચારી કમિટી, યુવા કમિટી અને મહિલા કમિટી જેવી વિવિધ કમિટીઓ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ખાસ કરીને, યુવા અને મહિલા કમિટીઓમાં જિલ્લાના દરેક તાલુકામાંથી એક-એક સભ્ય લઈને કુલ ૧૫ સભ્યોની કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકમાં નવા ચૂંટાયેલા અને નિયુક્ત થયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઘોષણાપત્ર અને નિયુક્તિપત્ર પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.