તા. ૨૬ નવેમ્બર ૨૦૧૫ થી દેશમાં ‘સંવિધાન દિન’ ઉજવવામાં આવે છે. જે અન્વયે અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાના નેતૃત્વમાં અમરેલી ખાતે ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં અમરેલી બસ સ્ટેશન ચોકમાં આવેલી ડા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યકરો રેલી સ્વરૂપે જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા, જ્યાં ભારતના બંધારણ પુસ્તકનું પૂજન કરવામાં આવ્યું હતું અને બંધારણનું પાલન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.
સંવિધાન ગૌરવ દિન અનુસંધાને અ.જા. મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાએ સ્વાગત પ્રવચનમાં ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા પૈકીની એક ‘સમરસતા’ની વાત અસરકારક રીતે કરી હતી. પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી અને એડવોકેટ મયુરભાઈ માંજરીયાએ બંધારણના ઘડતરથી અમલ સુધીની સફરની વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્ય વક્તા એડવોકેટ નિમિષાબેન પંડયા (નીકુબેન) દ્વારા દેશના સર્વોપરી ગ્રંથ એટલે કે બંધારણ, બંધારણ સભા, તેના સભ્યો, નાગરિકોના હક્કો અને ફરજો, કાયદાઓ અને રાષ્ટ્ર પ્રતિ નિષ્ઠા સહિતના વિષયો પર સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, મંત્રી રેખાબેન માવદીયા, ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, કોષાધ્યક્ષ દીપકભાઈ વઘાસીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, જિ.પં. સદસ્ય મુકેશભાઈ બગડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, એડવોકેટ પીયુશ શુક્લ, કમલેશ સોલંકી, ધીરૂભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







































