અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ વહેલા ચોમાસાની શક્યતા જણાવી, જિલ્લા અને તાલુકા કક્ષાએ મોન્સૂન પ્લાન બનાવવા, કંટ્રોલ રૂમ શરૂ કરવા અને સંબંધિત અધિકારીઓને કામગીરી સોંપવા સૂચના આપી હતી. વરસાદલક્ષી માહિતી સમયસર કંટ્રોલ રૂમને આપવા, આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, રાહત-બચાવ, નુકસાની સર્વે, વીજ પુરવઠો અને માર્ગો પૂર્વરત કરવા આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે સ્થાનિક તરવૈયા, વાહનોની માહિતી રાખવા, આશ્રયસ્થાનોની ચકાસણી કરવા, સેવાભાવી સંસ્થાઓની મદદ લેવા, સલામતી બંદોબસ્ત ગોઠવવા અને પુલ-નાળાઓની સફાઈ કરવા પર ભાર મૂક્યો હતો. ડેમના દૂરસંચાર ઉપકરણો ચાલુ રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની વ્યવસ્થા કરવા, આશ્રયસ્થાનો પર સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને આરોગ્યલક્ષી તૈયારીઓ કરવા પણ સૂચના અપાઇ હતી. દરિયાકાંઠે માછીમારી ન થાય તે માટે તકેદારી રાખવા અને જર્જરિત ઇમારતોનો સર્વે કરવા પણ આદેશ આપ્યો હતો.