અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં, જનપ્રતિનિધિઓએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓ, સિંચાઈ, વીજળી, વિવિધ દસ્તાવેજોમાં અરજદારોના નામ સુધારણા, પાણી, જમીન માપણી અને જમીન સંપાદન સહિત પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ, નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી. સીએમડીના પ્રશ્નો અને રજૂઆતોનો નિકાલ નિયત સમયમર્યાદામાં કરવા, તપાસણીને લગતી બેઠક અને રિવ્યૂ કામગીરી સમયાંતરે અને એટીવીટીના કાર્યોની સમીક્ષા કરવામાં આવે, મંજૂરી મળી હોય અને બાકી રહ્યા હોય તેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરે દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠક સંચાલન નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલે કર્યુ હતું.