સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત જિલ્લાના નાગરિકો વાકેફ થાય અને જનભાગીદારી વધે ઉપરાંત નાગરિકો સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ મેળવે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. કલેકટરે જણાવ્યુ કે, તા.૨ ઓક્ટોબર – મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ ભારત અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવી શકાય અને કચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે ખાસ ઝુંબેશ શરુ થશે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ થશે. અમરેલી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને લોકભાગીદારી સાથે વિવિધ સ્થળોએ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમને જનઆંદોલન સ્વરુપે સફળ બનાવવાનો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, પંચાયત અને નગરપાલિકા સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો સહિતના મહાનુભાવો જોડાશે. સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અભિયાનમાં જનભાગીદારી માટે જિલ્લા કલેકટરે અપીલ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાએ જણાવ્યુ કે, જિલ્લામાં ૭પ૦૦૦થી વધુ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે. ૬ લાખ રોપાનુ વાવેતર કરવામાં આવશે. ગંદકી ફેલાવતા એકમોની સફાઈ કરી
વૃક્ષારોપણ કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા અન્વયે ટ્રાન્સપોર્ટ હબ, ધાર્મિક, પ્રવાસન સ્થળો, નાળા, ગટર,, માર્કેટ વિસ્તારો, સરકારી કચેરીઓ, આઉટ ગ્રોથ વિસ્તારમાં સફાઇ થશે. તેમણે શ્રેષ્ઠ સફાઇ કેટેગરીમાં પસંદગી પામેલા તાલુકા, શહેરો અને જિલ્લાને આપવામાં આવનારા ઇનામ સહિતની વિગતો સાથે નિર્મળ ગુજરાત વિશે જણાવ્યુ હતુ. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શૈક્ષણિક અને રમત -ગમતના સ્થળો પર રોપા વાવેતર થશે. જિલ્લાના ૨૬૨ ગ્રામ્ય વિસ્તારમાં અને ૭૫ અમૃત સરોવર પર મનરેગા હેઠળ કરવામાં આવેલી વૃક્ષારોપણ અને તે વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા અંગેની વિગતો આપી હતી.