અમરેલી જિલ્લામાં સપ્ટેમ્બર માસની તા.૦૧ થી તા.૩૦ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં એનિમિયા, ગ્રોથ મોનીટરીંગ, પૂરક આહાર, ‘પોષણ ભી પઢાઈ ભી’ સહિતના વિષયોને આવરી લેવાશે, જે સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા ટેકનોલોજી અને સર્વગ્રાહી પોષણ થીમ પર જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. માસના ચોથા મંગળવારે જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની આશરે ૨૭૧૭૨ જેટલી કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટસનું વિતરણ થાય છે. કિશોરીમાં પોષણ વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે પૂર્ણા યોજના અન્વયે ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને આવરી લઇ શાળાએ જતી કિશોરીઓ અને શાળાએ ન જતી કિશોરીઓને પોષણ માટે જરુરી લાભ આપવામાં આવે છે. કિશોરીઓની આરોગ્ય તપાસ અને આઈ.એફ.એ. ગોળીઓ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગના સહકારથી, આંગણવાડી કેન્દ્ર પર માસના પ્રથમ બુધવારના રોજ મમતા દિને સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓની શારીરિક તપાસ, બી.એમ.આઈ અને એચ.બી ટેસ્ટ કરવામાં આવે છે. કેન્દ્ર પર કિશોરીઓને આઈ.એફ.એ. ગોળીનું વિતરણ કરવામાં આવે છે. બાળલગ્ન અને એનિમિયા દૂર કરવા અને પોષણયુક્ત આહારની સમજ આપવામાં આવે છે. બાળાઓ અને કિશોરીઓમાં પોષણનું પ્રમાણ વધારવા રાજય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા પોષણ માસ અભિયાનમાં જાડાવા અનુરોધ કરાયો છે.