રાજય સરકાર દ્વારા બાળકોને શિષ્યવૃતિ માટે હવે રેશનકાર્ડ સાથે લીંક કરેલા આધારકાર્ડ માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જા કે ઈ-કેવાયસી માટે બાળકોની સાથે વાલીઓની ભાગદોડ વધી ગઈ છે. જેને લીધે વાલીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે રેશનકાર્ડ સાથે લીંક ફરજિયાત કરવામાં આવી છે. આ માટે શાળાના આચાર્યને પણ લોગીન આપવામાં આવ્યા છે પરંતુ આચાર્યને આપવામાં આવેલા લોગીનમાં ઓટીપી જ આવતો ન હોવાનું જાણવા મળ્યુ છે. લોગીન થયા પછી એપ્લીકેશનમાં માહિતી ભરવામાં આવે તો આધારકાર્ડનો ઓટીપી બાળકના વાલીના મોબાઈલ જાય છે જેમાંથી મોટાભાગના વાલીઓના મોબાઈલ નંબર બદલી ગયા હોવાથી વાલીઓની મુશ્કેલી વધી છે. શાળાએ માહિતી ભર્યા પછી તમામ ડેટા સ્થાનિક મામલતદાર કચેરીએ ગયા પછી જ ચકાસણી થાય છે. શાળામાં લોગીનના અભાવે વાલીઓએ બાળકો સાથે મામલતદાર કચેરીએ દોટ મૂકી છે. આ અંગે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ પાનશેરીયાએ હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, કોઈ બાળક ઈ-કેવાયસીથી વંચિત રહેશે નહી. ઈ-કેવાયસી માટે છેલ્લી તા.૩૦ હોય જેથી વાલીઓને ભાગદોડ વધી જતા ભારે રોષ ફેલાયો છે. રાજય સરકાર ઈ-કેવાયસી માટે સમય મર્યાદા વધારે તેવી વાલીઓએ માંગ કરી છે.