અમરેલી જિલ્લામાં વિવિધ બનાવમાં એક સગીરા સહિત ચાર લોકોના મોત થયા હતા. પ્રથમ બનાવમાં લાઠીમાં રહેતા ભરતભાઈ ચુનીભાઈ મકવાણાએ જાહેર કર્યા મુજબ, કિશોરભાઈ ચુનીભાઈ મકવાણા (ઉ.વ.૫૪) અગમ્ય કાણોસર પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમારસિંહ કેશુભા રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં ખાંભાના ડેડાણ ગામે રહેતા ભાણાભાઈ અરજણભાઈ મકવાણાએ જાહેર કર્યા મુજબ, રામભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ.૪૩) વાડીએ કૂવાની બાજુમાં કામ કરતા હોય એ સમયે અચાનક તેમનો પગ લપસી જતા કૂવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે. ત્રીજા બનાવમાં બાબરામાં રહેતા જીજ્ઞેશભાઈ જયસુખભાઈ પોકીયાએ જાહેર કર્યા મુજબ, પ્રકાશભાઈ જયસુખબાઈ પોકીયા (ઉ.વ.૩૩) બાબરા ટાઉન તાલુકા પંચાયત પાસે રોડ ઉપરથી ૧૦-૧૨ દિવસ પહેલા પસાર થતા હતા ત્યારે ગાય એક્ટિવા સાથે અથડાઈ હતી. જેમાં તેમને માથામાં ગંભીર ઈજા થતાં અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલાના આંબરડી ગામે રહેતી એક સગીરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.પી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































