અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં વાહન અકસ્માતની બે ઘટના બની હતી. જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું. મૃતક પુરુષ ગઢડા (સ્વામીનારાયણ) મંદિરે પગપાળા ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે લાઠીના નવાગામ ખાતે રહેતા વલ્લભભાઈ ઓધાભાઈ ગઢીયા (ઉ.વ.૬૦)એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના નાના ભાઈ બાલાભાઈ ગઢીયા પૂનમ ભરવા નવાગામથી ગઢડા સ્વામીનારાયણ મંદિરે પગપાળા ચાલીને જતા હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે નારાયણગઢ ગામે દામનગર-ઠાસા રોડ પર માતંગી કોટન મીલ નજીક ટક્કર મારી હતી. જેના કારણે માથામાં તથા શરીરે ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. દામનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ.એચ.સેગલીયા વધુ તપાસ કરી રહ્યા છે. જીવલેણ અકસ્માતની બીજી ઘટના ખાંભા પંથકમાં બની હતી. ખાંભામાં રહેતા ડો. દાદુભાઈ વીરાભાઈ કાતરીયા (ઉ.વ.૭૦) ચલાલા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી પત્ની સાથે વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે પાછળથી આવેલી બોલેરો કારે ટક્કર મારીને ફંગોળ્યા હતા. જેમાં તેમને શરીરે ઇજા થઈ હતી, જ્યારે તેમના પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વાય.પી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.