અમરેલી જિલ્લામાં વાહનની બેટરી ચોર ટોળકી સક્રિય થયાની આશંકા છે. જિલ્લામાં બે સ્થળે આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. રાજુલામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં સોમાભાઇ ભોળાભાઇ વાઘ (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, કોવાયા રોડ પાવર પ્લાન્ટ ગેઇટ બાજુમાં લાલાભાઇ વાઘની વાડી પાસે ખુલ્લી જગ્યામાં તેમના ડ્રાઇવરોએ બે ટ્રેલર પાર્ક કર્યા હતા. જેમાંથી ૧૬ હજારની કિંમતની કુલ ચાર બેટરીની ચોરી થઈ હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મનસુખભાઈ કાળુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. મૂળ નવી જીકાદ્રીના અને હાલ રાજુલામાં રહેતા જગાભાઇ ચકુરભાઇ ગોહિલ (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, હીંડોરણા ચોકડીથી મહુવા રોડ પર આવેલ હીરામણી કોમ્પ્લેક્ષ પાસે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રકમાંથી રૂ.૧૨,૪૦૦ની કિંમતની બે બેટરીની અજાણ્યા ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ડી.ડી.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.