ગુજરાત સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ અમરેલી જિલ્લામાં દીકરીઓના શિક્ષણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાની ૧૯,૫૨૦ વિદ્યાર્થિનીઓને કુલ રૂ.૧૨.૨૮ કરોડની શિષ્યવૃત્તિ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલના જણાવ્યા મુજબ, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક મુશ્કેલીઓને કારણે દીકરીઓ અધવચ્ચે અભ્યાસ ન છોડે તે સુનિશ્ચિત કરવાનો છે. યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી જરૂરિયાતમંદ કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ.૫૦,૦૦૦ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આર્થિક ટેકો મળતા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ છોડી દેવાનું પ્રમાણ ઘટ્યું છે. સહાયનો લાભ હાજરી સાથે જોડાયેલ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.