ખાસ રીપોર્ટ મયુર પટેલ
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં તાજેતરની ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા ગામમાં આવી જવા જાણે સામાન્ય થઈ ગયું છે. અત્યાર સુધી સિંહે પશુઓનો શિકાર કર્યો હોય, તેવા સમાચાર અવાર-નવાર સામે આવતા હોય છે. છેલ્લા ૧૫ દિવસમાં માનવ હુમલાની ચાર ઘટના નોંધાઈ છે, જેમાં બાળકો પણ સામેલ છે. સિંહો શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવી ચઢે છે અને ઘણીવાર પશુધનને નિશાન બનાવે છે તેથી ગ્રામજનો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. સિંહોના વધી રહેલા હુમલાથી સીમમાં કામ કરતાં શ્રમિકો, લોકોમાં ફફડાટ ફેલાયો છે. તેમાં પણ જે વિસ્તારમાં દીપડાની સંખ્યા વધારે છે ત્યાં લોકો ડગલને પગલે ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. મંગળવારની ઘટના મુજબ, લાલુભાઈ પઠાણ નામના યુવાન ખેડૂત પર ગીદરડી ગામમાં ઢોર ચરાવતી વખતે હુમલો થયો હતો. સિંહે વાછરડા પર હુમલો કર્યો અને પઠાણ તેનો બચાવ કરવા માટે આગળ વધ્યો ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. જે બાદ વનવિભાગે હુમલો કરનારા સિંહને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. ૪ નવેમ્બરે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે ૭ વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી. ત્યારબાદ વનવિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા હતા.
મહિલા પોતાની ૭ વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઇ હતી. કુટુંબીજનો અને સ્થાનિક અધિકારીઓએ વ્યાપક શોધખોળ કરી હતી, પરંતુ તેના અવશેષો મળી આવ્યા હતા. રાતભરના પ્રયાસો બાદ વનવિભાગે માનવભક્ષી સિંહણને પાંજરે પુરી હતી. અગાઉ ૨૨ ઓક્ટોબરના રોજ જીકાદરી ગામે લોકો કપાસ વીણતાં હતા, ત્યાં આસપાસ બે બાળકો રમતા હતા તે સમયે એકાએક ત્રણ-ચાર વાગ્યાની આસપાસ સિંહણ આવીને ત્યાંથી પાંચ વર્ષના એક બાળકને બે ખેતર દૂર ઢસડીને લઈ ગઈ અને તેનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના લોકોએ આવીને શોધખોળ કરતા નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

સિંહણ કેમ કરે છે વધુ હુમલા?
વરિષ્ઠ ફોરેસ્ટ ઓફિસર ડા. સંદીપ કુમારે જણાવ્યું કે, સિંહણ સિંહો કરતાં શિકાર કરવા માટે વધુ આક્રમક વલણ ધરાવે છે. કારણ કે સિંહણની મુખ્ય જવાબદારી તેમના સંતાનોને ખવડાવવાની છે, જ્યારે નર પ્રાદેશિક સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ જેમ સિંહો તેમના શિકારના પ્રદેશને માનવ સમુદાયોમાં વિસ્તારી રહ્યા છે તેમ આવી ઘટના વધી રહી છે. સાવજના વર્તનમાં આવી રહેલો ફેરફાર માનવ હુમલામાં વધારો સમજવામાં મદદ કરી શકે છે.

સિંહોના હુમલાથી માનવ મૃત્યુમાં ચોંકાવનારો વધારો
વર્ષોથી સિંહો સાથે સહઅસ્તિત્વ ધરાવતી નજીકની વસ્તી માટે હુમલામાં વધારો ચિંતાજનક છે. ઘણી વખત સિંહો લોકોની વધુ અવરજવર હોય તેવા અસુરક્ષિત વિસ્તારોમાં પ્રવેશ કરે છે. તાજેતરના ડેટા મુજબ સિંહોના હુમલાથી માનવ મૃત્યુમાં ચોંકાવનારો વધારો થયો છે, પાછલા વર્ષોમાં ૧૫૦% જેટલો વધારો થયો છે.