અમરેલી જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયાથી લસણ-ડુંગળીના ભાવમાં વધારો થયો છે. હાલ ડુંગળી રૂ.પ૦ને પાર તો લસણ રૂ.૪૦૦ પ્રતિ કિલોએ વેચાઈ રહ્યુ છે. જયારે દેશમાં લસણ-ડુંગળીનું વિપુલ ઉત્પાદન થયું હતું ત્યારે સરકારે બિનજરૂરી નિકાસબંધી કરતાં ખેડૂતોને પોતાનો માલ પાણીનાં ભાવે વેચવો પડયો હતો અને આનો લાભ લઈ સંગ્રહખોરોએ મોટા પાયે સંગ્રહખોરી કરી હતી અને હાલમાં લસણ-ડુંગળીના ભાવમાં વધારો થતાં આવા સંગ્રહખોરો કમાયા હતા જયારે ખેડૂતોને તો રાતા પાણીએ રોવાનો જ વારો આવ્યો છે. આ ભાવ વધારાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી માંગને પગલે લસણના ભાવ છેલ્લા દોઢ મહિનાની અંદર જ બમણા થઇ ગયા છે. આ તરફ ડુંગળીના મુખ્ય ઉત્પાદક એવા નાસિક ખાતેથી ઓછી આવક થતા પંદર દિવસ પહેલાં પ્રતિ કિલો રૂ.૧૫ના ભાવે વેચાતી ડુંગળી હાલ પ્રતિ કિલો પ૦થી ૬૦ની સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગની સમસ્યામાં વધારો થયો છે.
દોઢ મહિના પહેલા પ્રતિ કિલો રૂ.૧૬૦ થી ર૦૦ના ભાવે વેચાતું લસણ હાલ રૂ.૪૦૦ની સપાટીએ પહોચ્યુ છે. વિશ્વમાં લસણના સૌથી મોટા ઉત્પાદક એવા ચીનમાં આ વખતે ધારણા કરતા લસણનું ઓછુ ઉત્પાદન થયુ છે. જ્યારે મલેશિયા, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં લસણની માંગ વધતા ભાવમાં વધારો થયો છે. ભારતમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ હિમાચલના કેટલાક વિસ્તારોમાં લસણનું ઉત્પાદન થાય છે. જોકે, હાલ વૈશ્વિક બજારમાં ભારતના લસણની માંગ વધતા તેની સીધી અસર સ્થાનિક બજારો પર થઇ છે. આ સંજોગોમાં સંગ્રહખોરી કરતા તત્વો કૃત્રિમ તેજી સર્જીને પણ ભાવ વધારવા સક્રિય બન્યા છે ત્યારે મોંઘવારીથી પિસાતા નાગરિકો માટે સરકાર યોગ્ય પગલાં ભરીને સંગ્રહખોરો સામે કડક પગલાં લે એ જરૂરી બન્યું છે. આ તરફ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ હાલ
ગૃહિણીઓને રડાવી રહી છે. આ અંગે લસણના વેપારી કરશનભાઈ જણાવે છે કે, લસણના ઉત્પાદનમાં ઘટને કારણે લસણના ભાવમાં ભડકો જાવા મળી રહ્યો છે. નવરાત્રીમાં લસણના ભાવ પ્રતિ કિલો રૂ.પ૦૦ને પાર પહોચે તેવી સંભાવના છે.
હોટલોમાં સલાડમાંથી ડુંગળી ગાયબ
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ડુંગળીના ભાવ વધતા હોટલમાં, પાઉભાજી કે અન્ય ભોજનમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે. ડુંગળી-લસણ વગર ભોજન ફીક્કુ લાગી રહ્યુ છે. જા કે નવા પાકનું આગમન થાય ત્યારે લસણ-ડુંગળીના ભાવ નીચા આવશે તેવુ લાગી રહ્યુ છે.