દિવાળીના તહેવારને અનુલક્ષીને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના ૮ થી ૧૦ એમ બે જ કલાક ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ફટાકડાનું ઉત્પાદન તથા વેચાણ કરનારાઓ સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછું એમિશન ઉત્પન્ન કરે છે તેનું જ વેચાણ કરી શકશે. આ સિવાય અન્ય તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવાની પણ મનાઇ કરવામાં આવી છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે. સિરીઝમાં જાડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહીં.