અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીની રેતીની ભારે માંગ રહે છે. ઘણા લોકો અત્યાર સુધી રોયલ્ટી ભર્યા વગર આ નદીની રેતી ચોરી જઈને સરકારને ચૂનો ચોપડી ચુક્યા છે. જિલ્લામાં બે સ્થળેથી પોલીસે શેત્રુંજીની ૫ ટન રેતી ચોરી ઝડપી હતી. બાબાપુર ગામેથી વાંકિયાના કુલદીપભાઇ મંગળુભાઇ વાળા (ઉ.વ.૧૯) પોતાના ટ્રેક્ટરમાં ત્રણ ટન રેતી પાસ પરમીટ કે રોયલ્ટી વગર ભરીને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે રેતી, ટ્રેકટર, ટ્રોલી સહિત ૧,૫૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી ઘટનામાં અમરેલીમાં મફતપરામાં પાણીના ટાંકા પાસેથી શહેરમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતાં હરેશભાઈ ભીખાભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) ચાપાથળ ગામમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી વગર પાસ પરમીટે આશરે ૨ ટન જેટલી રેતી વહન કરીને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે રેતી સહિત ૧,૫૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ બંને કેસમાં મળીને ૩,૦૨,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.