અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી છ ટન રેતી સહિત રૂ.૫.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. લીલીયાના ઈંગોરાળા (ડાંડ) ગામની સીમમાં શેત્રુંજી નદીના પટ્ટમાંથી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામના ઇસમાઇલભાઈ હુસૈનભાઈ બુકેરા (ઉ.વ.૩૧) ટ્રેક્ટરની ટ્રોલીમાં લીઝ, રોયલ્ટી કે પાસ પરમીટ વગર બે ટન રેતી ચોરીને લઈ જતાં ઝડપાયા હતા. પોલીસે રેતી સહિત રૂ. ૩,૮૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સી.બી.ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે. બગસરામાંથી મૂળ મધ્યપ્રદેશના અને બગસરામાં રહેતા ચેતાનભાઈ જરૂભાઈ અમલીયાર (ઉ.વ.૨૯) ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં લીઝ રોયલ્ટી કે પાસ પરમીટ વગર તથા ડ્રાઇવીંગ લાયસન્સ અને ટ્રેકટરના આર.ટી.ઓ.ને લગતા સાધનીક કાગળો વગર પોતાના આર્થિક લાભ માટે ચાર ટન રેતી ભરીને લઈ જતાં મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા ૨,૦૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બગસરા પોલીસ સ્ટેસનના હેડ કોન્સ્ટેબલ ડી.ડી.બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.