અમરેલી જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લાના ૧૧ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિયત સમય કરતા આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે તેમજ જિલ્લામાં અતિવૃષ્ટિ થાય તેવી સંભાવના હોય ત્યારે સંબંધિત અધિકારીઓને વધુ એલર્ટ રહેવા તેમણે સૂચના આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, અતિવૃષ્ટિ થાય તો તેવા સંજાગોમાં એ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું, કંટ્રોલરૂમ સુધી સતત વિગતો પહોંચાડવી તેમજ સંકલનમાં રહી બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી રાખવી. ડેમ અને અન્ય સાઇટ પર આગોતરૂ મેઇન્ટેઇન થાય, સાધનો અપડેટ કરવા, વરસાદ શરૂ હોય ત્યારે આંકડા દર બે કલાકે પહોંચતા કરવા, અતિવૃષ્ટિના સંજાગોમાં સ્થળાંતર, રહેવા-જમવાની વ્યવસ્થા અંગે પણ તેમણે સૂચના આપી હતી.