જિલ્લામાં તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નવ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર પંદર થી વીસ દિવસનાં સમયગાળામાં પાંચ સેન્ટર પર મગફળીની ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બાકી ચાર સેન્ટર પર વરસાદના કારણે ટેકાની ખરીદી બંધ કરાઈ છે અને જેને આગામી દિવસોમાં ફરી શરૂ કરવામાં આવશે. જિલ્લામાં આ વર્ષે રૂ.૧૧૧૦ના ભાવે ટેકાની મગફળી ખરીદી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાં ૧૮ હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. મળતી વિગતો મુજબ તંત્રએ જિલ્લાના અમરેલી, રાજુલા, બગસરા, બાબરા, સાવરકુંડલા, ખાંભા, ટીંબી, ધારી અને લાઠી યાર્ડમાં ખરીદી સેન્ટર શરૂ કર્યા હતા. પણ યાર્ડમાં ખુલ્લા બજારમાં મગફળીનો સારો ભાવ મળતા મોટાભાગના ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કર્યું હતું. ત્યારે હાલ જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠી અને બગસરા સેન્ટર પર મગફળી ખરીદી પૂર્ણ કરી દીધી છે. તો રાજુલા, ટીંબી, ખાંભા અને બાબરામાં હવે ગણતરીના ખેડૂતોની ખરીદી બાકી રહી હોય ત્યારે વરસાદની આગાહીના પગલે તંત્રએ ખરીદી સેન્ટર બંધ કરી દીધા છે. વાતાવરણ ચોખ્ખુ થયા બાદ આ સેન્ટર પર ખરીદી ફરી શરૂ કરાશે.