અમરેલી જિલ્લાને લાંબો દરિયાઈ કાંઠો મળેલો છે. જેમાં રાજુલા-જાફરાબાદના દરિયાઈ કાંઠે મોટી ફેકટરીઓ પણ આવેલી છે તો ખલાસીઓ માછીમારીના વ્યવસાય સાથે જાડાયેલા હોવાથી મચ્છીનો પણ મોટો વ્યવસાય થાય છે. અનેક માછીમારો મચ્છીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી મોટાભાગના લોકો લાંબો સમય સુધી દરિયામાં જ વ્યવસાય અર્થે રહેતા હોય છે ત્યારે આવા સમયે દરિયામાં રહી મચ્છીઓનો વ્યવસાય કરતા ખલાસીઓ માટે ઘણીવાર મુશ્કેલી પણ સર્જાય છે. કારણ કે, છેલ્લાં ઘણા સમયથી જાફરાબાદથી દુર સુધી દરિયામાં રહી માછીમારી કરતા ખલાસીઓ અકસ્માતનો ભોગ બનતા હોવાથી માછીમારોને બચાવવા માટે મુશ્કેલી થતી હોય છે. છેલ્લાં ૧પ દિવસમાં જાફરાબાદથી પ૦ નોટીકલ માઈલ દુર માછીમારી કરતા ખલાસીને ગંભીર અકસ્માત થતા મહામુસીબતે ખલાસીઓનું રેસક્યૂ કરી બચાવવામાં આવ્યા છે. જા કે જયારે પણ આવી અકસ્માતની ઘટના બને છે ત્યારે ઘણીવાર દરિયાઈ સ્થિતિને ધ્યાને લેતા મરીન કોસ્ટગાર્ડ દરિયામાં જઈ શકતી નથી ત્યારે અન્ય કોસ્ટગાર્ડની મદદ લેવી પડે છે. જેમાં બે દિવસ પહેલા જ એક યુવાનને લોખંડનુ લંગર વાગતા હેલીકોપ્ટરથી તેને પીપાવાવ બંદર ખાતે લઈ આવવો પડયો હતો જા કે તેની હાલત હાલ સ્થિર છે તો અન્ય એક યુવાનને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આવા સમયે જાફરાબાદ પંથકમાં દરિયાઈ ૧૦૮ ફાળવવવામાં આવે તેવી ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી છે.
સાંસદ સહિતના આગેવાનોએ આ બાબતે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી રાજય સરકાર તરફથી આ સુવિધા ન મળવાને કારણે આવા અકસ્માતના બનાવો બને ત્યારે જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.