અમરેલી જિલ્લામાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લાના ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પાકમાં નુકસાની સહન કરવી પડી છે, બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા કોઇ જ નુકસાન થયું ન હોવાનું અને સર્વેનો પણ કોઇ આદેશ ન હોવાનું જણાવે છે.
અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના ભાવરડી, ચતુરડી, કોદીયા, મોટા ચરાખડીયા, રાયડી, ખાંભા, સાવરકુંડલાના ઘનશ્યામનગર તેમજ રાજુલાના આગરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો જેના કારણે મુખ્યત્વે પાક પલળી જવાથી તેમજ મોર ખરી જવાના કારણે ખેડૂતોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં કેરી, તલ, બાજરી, ડુંગળી, ઉનાળું મગના પાકને ખુબજ નુકસાન થયેલ છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની નુકસાનીનો કોઇ સર્વે કરવામાં આવ્યો ન હોવાથી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ માંગ કરી છે.