આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજથી ૨૦ નવેમ્બર સુધી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાને અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતેથી આજે રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરીએ ફ્‌લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ આત્મનિર્ભર યાત્રા રથ સતત ત્રણ દિવસ સુધી જિલ્લા પંચાયતની ૩૪ સીટના વિવિધ ગામડાઓમાં ફરી વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી આપી સરકારની ફલેગશીપ યોજના અંગેનું માર્ગદર્શન ગ્રામજનો સુધી પહોંચાડશે.
આ પ્રસંગે ચેરમેન ભંડેરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ વર્તમાન સરકારે અનેકવિધ લોકકલ્યાણ યોજનાઓના લાભો છેવાડાના જરૂરિયાતમંદ માનવીને સરળતાથી મળે તે દિશામાં ત્વરિત જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી ગ્રામજનોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, ચેક વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવનાર છે. સમગ્ર યાત્રા દરમિયાન જિલ્લામાં કુલ ૧૬૮૬ લાખના ૭૧૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, વિકાસ કમિશનર અને જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમાર, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, ડીઆરડીએ નિયામક વિશાલ સક્સેના અને પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનો અને સભ્યો સહિત બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.