અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી ઈંગ્લીશ દારૂ ઝડપ્યો હતો. પોલીસે રૂપિયા ૧.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલામાં ખેરા ગામની અંદર જવાના ટી-પોઇન્ટ પાસે ગોપાલભાઇ શિયાળના મીઠાના અગરમાં આવેલ ઓરડીમાંથી અમરેલી એસઓજી ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૧૩૦ બોટલ મળી કુલ ૧,૦૧,૦૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાંભાના ડેડાણ ગામના બસ સ્ટેશન પાસેથી બાઇક લઇને પસાર થતાં યુવક પાસેથી દારૂની બે બોટલ મળી હતી. પોલીસે કુલ ૬૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વાવેરા ગામે બર્બટાણા રોડ પર ગોળાઇ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૭ બોટલ યુવક પાસેથી ઝડપાઈ હતી. પોલીસે તેની પાસેથી દારૂની બોટલો અને બાઇક મળી કુલ ૧૧,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય જિલ્લામાં ૧૦ લોકો પાસેથી ૬૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. તેમજ અમરેલી કુંકાવાવ રોડ ઉપર હનુમાનના મંદિરની સામેથી એલસીબી ટીમે બાવળની કાંટમાં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી હતી. પોલીસે અહીંથી કુલ ૫૨૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ૯ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.