જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૧૭ ઓગસ્ટ,૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.