અમરેલી જિલ્લામાં આજથી ૯ સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, ૧-ઓક્ટો.થી ૩૧-ઓક્ટો. સુધી ચાલેલ રજિસ્ટ્રેશનમાં ૧૮ હજારથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી ખરીદવાના કેન્દ્ર પર નહોતા આવ્યા. આની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, ટેકાના ભાવ કરતા બજારમાં ઉંચો ભાવ મળતો હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા જવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રૂ. ૧,૧૧૦ પ્રતિ મણ ભાવ જાહેર કરાયો છે. જ્યારે આ ભાવથી પણ વધુ ભાવ બજારોમાં મળતા હોય, રજિસ્ટ્રેશન કરાવનાર ૧૮ હજારથી વધુ ખેડૂતો કેન્દ્ર પર ફરક્યા નહોતા.