અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારેથી અતિભારે કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના ધારી તાલુકા સહિત તમામ તાલુકાઓમાં ડુંગળી, ઉનાળુ બાજરી, મકાઈ, તલ જેવા ખેતી પાકો તેમજ કેરી અને કેળા જેવા બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાની ફરિયાદો મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ બી. કુંજડીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવા આગ્રહભરી ભલામણ કરી છે, જેથી ખેડૂતોને આ આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળી શકે. આ પત્રની નકલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ મોકલવામાં આવી છે, જેથી આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે.