હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ૦૮ એપ્રિલ દરમિયાન જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોને સતર્ક રહેવા જણાવાયું છે. આ સંજોગોમાં ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ખુલ્લામાં રાખેલ ખેત ઉત્પાદનને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિકની તાડપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકી દેવા અનુરોધ છે. વરસાદી પાણી પાકના ઢગલા નીચે ન જાય તે માટે આસપાસ માટીના પાળા બનાવવાની વ્યવસ્થા કરવી અત્યંત અનિવાર્ય છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો છંટકાવ ટાળવો જોઈએ તથા બિયારણના જથ્થાને પલળતો અટકાવવા સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવો જોઈએ.
એ.પી.એમ.સી.માં પણ વેપારીઓ અને ખેડૂતોએ માલ શેડ નીચે રાખવો અને શક્ય હોય ત્યાં સુધી આ દિવસોમાં વેચાણ અર્થે જણસી લાવવાનું ટાળવું જોઈએ. વધુ વિગત કે સહાય માટે ખેડૂતોએ ગ્રામસેવક અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલી દ્વારા જણાવાયું છે.








































