હવામાન વિભાગ દ્વારા સાતમી મે સુધી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી કેરીના પાક વખતે વરસાદ પડતો હોવાથી ખેડૂતોને દરેક વખતે મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ વર્ષે પણ કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડાની અને કમોસમી વરસાદની આગાહીથી નુકસાની વેઠવી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળા દરમિયાન વરસાદને કારણે કેરી અને બાગાયત પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા તેમને એક પણ વખત સહાય ચૂકવવામાં આવી નથી ત્યારે આ વર્ષે પણ કમોસમી વરસાદની આગાહીને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વર્ષમાં એક જ વખત ઉત્પાદન આપતા કેરી જેવા પાકોમાં કમોસમી વરસાદ અથવા તો થોડાક છાંટા પડે તો પણ પાક નિષ્ફળ જતો હોય છે હાલમાં જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાઓને કારણે કેરીના પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે જગતનો તાત ચિંતામાં ઘેરાયો છે.
ડુંગળીના ભાવમાં કિલો દીઠ રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાંથી ઉઠી માંગ
એક તરફ ડુંગળી પકવતા ખેડૂતોને ઓછા ભાવના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડુંગળી જેવા પાકો ખેતરની અંદર પડેલા હોય જો વરસાદ થાય તો આ પાક સદંતર નિષ્ફળ જશે જેના કારણે ખેડૂતોને બેવડી નુકસાની સહન કરવાનો વારો આવશે. જુદા જુદા ખેડૂત સંગઠનો દ્વારા રાજ્ય સરકારને અનેક વખત ડુંગળીના ભાવમાં રાહત આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી ત્યારે ખેડૂતોને કિલો દીઠ ૫ અથવા તો તેથી વધારે સહાય જાહેર કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.









































